ગ્રામ પંચાયત તથા અન્ય વિભાગો દ્વારા ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસકાર્યોના ખાતમૂર્હૂત, લોકાર્પણ તથા વિવિધ યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૮ થી ૨૦ નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. જે સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને વહિવટી તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આગામી તા.૧૮ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે શરૂ કરાવવામાં આવનાર આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર ત્રિદિવસીય કાર્યક્રમની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવશે. જેમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની સાથે સાથે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, પશુપાલન વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંકલનમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
આઝાદી કા અમૃત મહોત્સવની આ ત્રિદિવસીય ઉજવણી અંતર્ગત ગ્રામ પંચાયત તથા અન્ય વિભાગો દ્વારા ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસકાર્યોના ખાતમૂર્હૂત અને લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં ૦૩ રથ ફાળવવામાં આવશે. જેના દ્વારા જિલ્લાના ગામોમાં રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ પ્રચાર-પ્રસાર, સ્વચ્છતા અભિયાન, ફિલ્મ નિદર્શન તથા વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભરત જોષી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.