Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

ગીરનારની લીલી પરિક્રમાનું મહાત્મ્ય આજે પણ એટલું જ છે કારણ કે એ આજે પણ તેના પ્રાકૃતિક રૂપમાં છે.ક્યાંક સાંકડી પગદંડીઓ તો ક્યાક પહાડોમાં કુદરતી રીતે ઉદ્ભવેલા પગથિયાઓ

જિલ્લા ભાજપ અધ્યક્ષ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટ પટેલના આત્મસાત થી

ગીરનારની લીલી પરિક્રમા વિશે ભાગ્યેજ કોઈ એવું મળે કે જે ન જાણતું હોય. કહેવાય છે કે હિમાલયમાં હજ્જારો વર્ષથી તપ કરતાં અનેક સિદ્ધો જેમ કુંભના મેળામાં અચુક પણે આવે છે. અને કુંભ સ્નાન કરીને ચાલ્યા જાય છે એ કોઈને ખબર પણ નથી પડતી તેવી જ રીતે ગરવા ગીરનારની કારતક મહિનામાં કરવામાં આવતી લીલી પરિક્રમા વિશે પણ એવું જ છે. અનેક ઉચ્ચ કોટીના સંતો, મહાત્માઓ, દિવ્ય પુરુષો અને ખુદ સાક્ષાત શિવ પણ તેમાં ભાગ લેવા આવે છે. કહેવાય છે કે દુનિયામાં જે કુદરતી રીતે કુલ આઠ જગ્યાએ ૐ છે તેમાંનો એક ગિરનારમાં પણ છે. આ એક સિદ્ધ જગ્યા છે અને પરમ પ્રકૃત્તિથી ભરપુર છે. કહેવાય છે કે ગીરનારમાં એવી ઔષધિય ગુણોવાળા વૃક્ષો છે કે એવા બીજે ક્યાંય જવલ્લેજ મળે છે. સિદ્ધોની ભૂમિ ગીરનારમાં લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે ત્યારે આવો જાણીએ તેના વિશેની ખાસ કેટલીક વાતો.

કારતક સુદ અગિયારસથી શરૂ થનારી લીલી પરીક્રમા પૂર્ણીમા સુધી ચાલે છે. પૂણ્ય કમાવવા લાખોની સંખ્યામાં સાધુઓને શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. રાજા બલીનો ભકિતને કારણે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને રાજા બલિના દ્વારપાળ તરીકે ચાતુર્માસ ચોકી પહેરો કરતા હોય છે તેવું પુરાણોમાં કહેવાયું છે.

દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન પાતાળમાંથી ઉઠી પૃથ્વી લોકમાં આગમન કરે તેવું શાસ્ત્રોકત વિધાનમાં કહેવાયું છે. ગીરનારની પરીક્રમા કરવાથી ૩૩ કરોડ દેવી-દેવતાની પરીક્રમા થાય તેવું મહાત્મય છે શ્રીકૃષ્ણના કુળદેવી જગદંબાનું સ્થાનક આ વિસ્તારમાં આવ્યું હોવાનું કહેવાય છે.

નવનાથ ચોરાસી સિઘ્ધ અને ચોસઠ જોગણી બાવનવીર અને તેમના ભૈરવોની આ ભૂમિ અનેક સિદ્ધ મહંતોની તપસ્થળી છે. જૂનાગઢમાં દેશના અનેક પ્રાંતો અને પ્રદેશોમાંથી સાધુબાવાઓ આવે છે. તે કુંડમાં સ્નાન કરીને ક્યાં અદ્રશ્ય થઈ જાય છે તે કોઈને ખબર પણ પડતી નથી. કહેવાય છે કે જો સાચા સંતના દર્શન કરવા હોય તો ગીરનાર જવું. તેમની એક નજર પણ જો તમારા પર પડી જાય તો તમારો બેડો પાર થઈ જાય. ગુજરાત ઉપરાંત અનેક રાજ્યોમાથી તેમજ છેક હિમાલયમાંથી પણ અનેક સાધુ સંતો ગીરનાર આવે છે. ગીરનારની લીલી પરીક્રમામાં લગભગ દર વર્ષે ૧૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓ જોડાય છે.

દત્તાત્રેયની આજેય હોય છે હાજરી

પુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતા અનુસાર ગુજરાતમાં જુનાગઢમાં આવેલા ગરવા ગીરનારની લીલી પરિક્રમા એ એક તીર્થ યાત્રા છે. તેનું વિશેષ પુણ્ય છે. ગીરનાર ખુબ ધાર્મિક મહત્વ ધરાવે છે. ગરવા ગીરનારની પાવનભૂમિ પર હજારો વર્ષથી સિદ્ધ સાધુ સંતો તપસ્યા કરવા માટે આવતા હોય છે. કહેવાય છે કે ખુદ સાક્ષાત દત્તાત્રેય કે જે અમર છે તે આજેય ગિરનાર પર આવે છે. પ્રકૃત્તિથી ભરપૂર આ પાવનભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો આવે છે. શિવરાત્રીએ ભવનાથનો મેળો હોય કે પછી લીલી પરીક્રમા, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો અહીંયા આવતા હોય છે. વર્ષો સુધી તપર્શ્ચ્યા કરી અને આ તપર્શ્ચ્યાના પૂણ્યનું ભાથુ જાણે આ ભૂમિને સમર્પિત કર્યું હોય તેમ ગીરનાર ક્ષેત્રની આ ભૂમિના સ્પર્શમાત્રથી આહલાદક આઘ્યાત્મિક આનંદનો અનુભવ થાય છે.

શ્રીકૃષ્ણ, રૂક્ષ્મણીજી, સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ કરી હતી ગીરનારની પરીક્રમા

શ્રીકૃષ્ણ, રુક્ષ્મણીજી અને સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ પણ ગીરનારની લીલી પરિક્રમા કરી હતી. ૩૬ કિલોમીટરની આ લીલી પરીક્રમાનો સિલસિલો હજારો વર્ષથી ચાલતો આવે છે. દંતકથામાં એવું પણ કહેવાયું છે કે, આ વસ્ત્ર પઠેશ્વર ક્ષેત્રમાં ભગવાન શિવે લીલા કરી માતા પાર્વતીથી સંતાકુકડી રમવા અહીંયા આવેલા ત્યારે માતાજીએ તેમને આ ક્ષેત્રમાંથી ઓળખી કાઢેલા. પુરાણો અનુસાર શ્રીકૃષ્ણએ બહેન સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માટે બહાનું કરી પરીક્રમા કરી હતી અને સતત પાંચ દિવસ સુધી ગીરનારના જંગલમાં વાસ કર્યો હતો. પુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ, રૂક્ષ્મણીજી, સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ ગીરનારની પરીક્રમા કરી હતી. કારતક સુદ અગિયારસથી પુનમ સુધી ભગવાન શ્રીકૃષ્ણને ગીરનારના જંગલમાં વાસ કરી પરીક્રમા કરેલ. ભગવાન શ્રીકૃષ્ણ અહીં બિરાજતા હતા ત્યારે હિન્દુ માન્યતા અનુસાર ૩૩ કરોડ દેવતાઓએ ભગવાનના સાનિઘ્ય માટે અહીં વસવાટ કર્યો હતો અને ત્યારથી જ ગીરનારમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ થતા અનેરું મહત્વ વઘ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણએ પરીક્રમા કર્યા બાદ આ પરીક્રમાનો સીલસીલો શરૂ થયો હોવાનું કહેવાયું છે.

આ ભૂમિમાં વસતા સાધુ-સંતોએ ભોળાનાથ સાથે વિશેષ સમય વિતાવ્યો અને માતા અન્નપૂર્ણાએ અનેક સંતો-મહંતોની જઠરાગ્ની ઠારી. આ અલૌકિક દ્રશ્યોને જોવા ૩૩ કોટી દેવો ગીરનાર પર બિરાજમાન થયા. આ ઉપરાંત બલીરાજાના સમયથી ભગવાન વિષ્ણુના પાવન સ્વપનરૂપ વરદાન મુજબ ત્રણેય દેવો બલિરાજા સાથે સમયાનુસાર વાસ કરે છે.

લીલી પરીક્રમાનો રૂટ

લીલી પરીક્રમાના રૂટની વાત કરીએ તો, ભાવિકો ભવનાથ તળેટીએ ભગવાનના દર્શન કરી આ પરીક્રમાનો પ્રારંભ કરે છે. પ્રથમ ઈટવા ઘોડીથી આ પરીક્રમા ચાલુ થાય છે. ભાવિકો આઠ કિલો મીટરની આ ઘોડી ચઢીને પ્રથમ પડાવે પહોંચે છે. આ પ્રથમ પડાવ એટલે ‘જીણાબાવાની મઢી’. જીણાબાવાની મઢી એ ભાવિકો રાતવાસો પણ કરે છે.વર્ષોથી આ જગ્યા પર લોકો આવે છે અનેક દરેક શ્રદ્ધાળુઓને અહીંયા પરીક્રમા દરમિયાન ભાવપૂર્વક જમાડવામાં આવે છે. આજે પણ અહીંના મહંત પોતાના હાથે ભંડારો બનાવીને લોકોને ભાવપૂર્વક જમાડે છે. લીલી પરીક્રમાના પ્રથમ પડાવમાં આ જગ્યાનું ખુબ જ મહત્વ છે. આ પહેલા પડાવને સતયુગ પણ કહેવાય છે. સતયુગમાં ગીરનારની તળેટી અહીંથી શરૂ થતી અને આ જગ્યાના આધિપતિમાં મહાકાળીનો વડલો આજે પણ છે જયાં માતાજી બિરાજે છે. જીણાબાવાના હાલ અન્નક્ષેત્રો પણ અહીંયા કાર્યરત છે અને ધુણો પણ સતત ચાલુ રહે છે.

ભગવાન દતાત્રેયની છત્રછાયામાં વર્ષોથી આ પરીક્રમા ચાલે છે જે યાત્રાળુઓ આવે છે તેમને જમવા તથા રહેવાની સુવિધાઓ આપવામાં આવે છે તથા જો કોઈ વ્યકિત આગળ ન ચાલી શકે તેમને મઢીના વાહન દ્વારા જુનાગઢ પણ પહોંચાડવામાં આવે છે. અહીંથી આગળ પરીક્રમાના રૂટની વાત કરીએ તો ‘માળવેલા ઘોડી’ આવે છે. ચઢાણમાં મુશ્કેલ અને સૌથી ઉંચી માળવેલાની આ ઘોડીથી સાડા ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને પ્રકૃતિના સૌંદર્યને માણતા માણતા ભાવિકો માળવેલા મંદિરે પહોંચે છે. જીણાબાવાની મઢીથી માળવેલાનો રસ્તો કુદરતી સૌંદર્યથી ભરપુર છે. અનેક નાના-મોટા ઝરણાઓ અનેક ગાઢ જંગલ વિસ્તારોમાં વૃક્ષોમાંથી આવતા સુર્યકિરણો આ જંગલમાં ઘણા નયનરમ્ય દ્રશ્યો સર્જે છે. પ્રકૃતિને માણતા-માણતા શ્રદ્ધાળુઓ માળવેલા ખાતે તેમનો બીજો રાતવાસો કરે છે. માળવેલામાં બીજો યુગ એટલે કે દ્વાપર યુગ તેમ કહેવાય છે.

કુદરતી સૌંદર્યથી ભરપુર આ જગ્યામાં લોકો મનની શાંતી મેળવે છે. પરીક્રમા રૂટની આગળ વાત કરીએ તો, આ રૂટમાં આવતા બે ધાર્મિક સ્થળોએ પણ શ્રદ્ધાળુઓ પરીક્રમા દરમિયાન રોકાણ કરતા હોય છે. તેમાં પ્રથમ ‘સરકડીયા હનુમાનજી’નું મંદિર આવેલું છે. વર્ષો પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને આ મંદિરે લોકો ધાર્મિક દ્રષ્ટિએ આવતા હોય છે ત્યારબાદ આ રૂટમાં બીજું ધાર્મિક સ્થળ એટલે કે સુરજ કુંડ આવે છે. કહેવાય છે કે, આ સુરજ કુંડનો ઈતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે

ત્યારબાદ ‘નાળ-પાણી’ની ઘોડી આવે છે. આ ઘોડી સૌથી આકરી અને ઉંચાઈએ આવેલ છે. ૮ કિલોમીટરની પગપાળા યાત્રા બાદ શ્રદ્ધાળુઓ ત્રીજો એટલે કે આખરી પડાવે પહોંચે છે. ત્રીજો પડાવ એટલે ત્રેતા યુગ. આ ત્રીજો પડાવ એટલે ‘બોરદેવી માતાજી’નું સ્થળ. બોરદેવીની જગ્યા એટલે જાણે વનદેવીના સાક્ષાતકાર. બોરમાંથી પ્રગટ થયેલા જગદંબા સ્વપરૂપ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ જગ્યા પર ત્રીજી રાતે રાતવાસો કરી ભવનાથ તળેટીએ પહોંચી અને દામોદર કુંડમાં સ્નાન કરી આ પરીક્રમાને પૂર્ણ કરે છે.

લીલી પરિક્રમા વિશેના ખાસ પડાવો

પરિક્રમાના રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે. ઘોડી એટલે પર્વતોની વચ્ચે પસાર થઈ રહેલી બળદના ખૂંધ જેવી રચના જેમાં પહેલા ચઢાણ ચઢવાનું અને પછી ચઢાણ ઉતરવાનું

ઈંટવા ઘોડી :- જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથા ઝીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે.

માળવેલા ઘોડી :- જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે.

નાળ-પાણીની ઘોડી :- આ ઘોડી સૌથી આકરી અને ઘણી ઉંચાઈએ આવેલ છે.

જીણાબાવાની મઢી બની તીર્થધામ

જીણાબાવાની મઢીઃ હજારો વર્ષોથી આ સ્થળ છે. વર્ષો પહેલા જીણાબાવા આ સ્થળ પર સમાધી કરતા હતા ત્યારે તે સમયે જીણાબાવા પાસે ઘણા સિદ્ધપુરુષો પણ આવતા હતા આવા જ એક સમયે રાત્રી દરમિયાન બધા સંતો અને જીણાબાવા વચ્ચે પોતાની સિદ્ધિ માટે વાત કરતા હતા અને તે સમયે એક સંતે જીણાબાવાને સિદ્ધિ વિશે પૂછયું હતુ ત્યારે જીણાબાવા જે ચલમ પીતા હતા તે ચલમ બધાને દેખાડી ને પૂછયું કે આ ચલમમાં કંઈ જ નથી અને ત્યારબાદ એ ચલમમાંથી જ જીણાબાવાએ પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યા હતા અને ત્યારબાદ જીણાબાવાની આ જગ્યા સુપ્રસિધ્ધ થઈ હતી.

માળવેલામાં બિરાજે છે જગદંબા સ્વરૂપે મહાકાળી

ઋષી માર્કડની તપસ્થળી ત્રેતા યુગમાં ગીરનારની તળેટી તરીખે ઓળખાતા આ વિસ્તારાના આધિસ્થતા દેવ અને રક્ષક જગદંબા સ્વરૂપ મહાકાળી માતાજી આ સ્થળે બિરાજે છે. પરિક્રમાના બીજા પડાવ તરીકેનું આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે.

ગીરનારની લીલી પરિક્રમાનું મહાત્મ્ય આજે પણ એટલું જ છે કારણ કે એ આજે પણ તેના પ્રાકૃતિક રૂપમાં છે. ક્યાંક સાંકડી પગદંડીઓ તો ક્યાક પહાડોમાં કુદરતી રીતે ઉદ્ભવેલા પગથિયાઓ. તે જ આ વિસ્તારની સુંદરતા છે અને પ્રકૃતિને માણવાનો લહાવો છે. કહેવાય છે કે જગ્યા જેટલી પ્રાકૃત્તિક તેટલુંજ વધું તેજ, જો તેમાં માનવ સર્જિત હસ્તક્ષેપ કરવામાં આવે તો તેનું તેજ, તેનું દિવ્ય તત્ત્વ નાશ પામે છે. માટે આશા કરીએ એ ગીરનારની પરિક્રમા આપણને સદૈવ તેના પ્રાકૃત્તિક રૂપમાં જ કરવા મળે. જો કે લોકોની ફરિયાદોને પગલે આ વિસ્તારમાં હવે પગથિયા અને લાઈટો કરવામાં આવી છે પણ તે વિશે ઘણાં જ રોષની લાગણી વ્યક્ત કરે છે. આ બધાને કારણે આ સ્થળ તીર્થ યાત્રા ઓછી અને ફરવાનું સ્થળ વધું થઈ જાય છે. તેથી અનેક લોકો તેને તેના પ્રાકૃત્તિક સ્વરૂપમાંજ રહેવા દેવામાં આવે તેવી માંગણી કરી રહ્યો છે. જો અગવડતા પડતી હોય તો ન જવું જોઈએ. સ્થાનની પ્રાકૃત્તિકતામાં છેડછાડ કરવી પડે તેવી માંગણી શ્રદ્ધાળુઓએ ન કરવી જોઈએ, નહિં તો તેમને જ નુકસાન છે. નુકસાન એ છે કે એ જગ્યાએથી દેવત્વ નાશ પામે છે.

Related posts

જામનગર : જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલ તાજ હોટેલ નજીક પિતા-પુત્ર પર ખૂની ખેલ ખેલાયો

cradmin

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા અંગે GSSSBના અધ્યક્ષે શું કહ્યું?,જુઓ વીડિયો

cradmin

એ.પી.એમ.સી. હૉલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

samaysandeshnews

2 comments

Pradipsinh Rathore November 15, 2021 at 6:29 am

હરી ૐ તત્સત્, જય ગુરુદત્ત. જુનાગઢમાં આવેલ ગીરનાર પર્વત ની લીલી પરિક્રમા નું મહત્વ આપના દ્વારા સમય સંદેશ ન્યૂઝ અખબાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે તૂ વાંચીને મને ખૂબ ખૂબ આનંદ થયો અને ઘણી બધી વાતો હતી, પરિક્રમા યાત્રા વિશેની, તે બાબતે આપે તટસ્થ સચોટ માહિતી આપી છે તે બદલ અમો આપના આભારી છીએ ત્યારે તમને ખુબ ખુબ અભિનંદન તમારી લેખન પદ્ધતિથી અનેક વાંચકો ખુશ થઈ રહ્યા છે..

Reply
samaysandeshnews November 17, 2021 at 6:49 am

તમારો ખુબ ખુબ આભાર

Reply

Leave a Comment

error: Content is protected !!