જામનગર જિલ્લા અને શહેરના બજરંગ દળના પ્રખંડ સ્તરથી કાર્યકરો મશાલ સાથે યાત્રામાં જોડાશે
જામનગરમાં 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ 14 ઓગસ્ટ ના શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા અખંડ ભારતની પરિકલ્પના સાથે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ યાત્રા દરમિયાન ભારતને અખંડ બનાવવા સંકલ્પ પણ લેવામાં આવશે.
14મી ઓગસ્ટે આયોજિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની મશાલ યાત્રા માટે જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શક્તિ, દુર્ગાવાહિની દ્વારા પ્રખંડ કક્ષાએ વિવિધ બેઠકો પણ યોજી લેવામાં આવી છે. અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારો, જ્ઞાતિઓ અને હિંદુ સમાજને આ મશાલ યાત્રા માં જોડાવા આહવાન કર્યું છે. ત્યારે બહોળી સંખ્યામાં યુવાનો ભારતને અખંડ કરવાના સંકલ્પ સાથે મશાલ યાત્રા માં જોડાવા આતુર છે.
જામનગરમાં 14મી ઓગસ્ટે સાંજે શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવ નજીકના 58 વર્ષથી જ્યાં રામનામની અખંડ ધૂન ચાલે છે. તેવા શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતેથી આ મશાલ યાત્રા નીકળશે. જે યાત્રા હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક રોડ, ચાંદી બજાર, સજુબા સ્કૂલ, બેડી ગેટ સ્વામિનારાયણ મંદિર પાસે પહોંચી સંપન્ન થશે.આ મશાલ યાત્રાનું ઠેર-ઠેર અગ્રણી, વેપારીઓ અને બહેનો દ્વારા સ્વાગત માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર: મશાલ યાત્રા ના આયોજન માટે બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, શહેર મંત્રી સુબ્રમણ્યમભાઈ પિલ્લે, સહ મંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, ધર્મેશભાઈ ગોંડલીયા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના પ્રચાર-પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, સહ સંયોજક વિજયભાઈ અગ્રાવત, ધર્માંચાર્ય સંપર્ક વિભાગના સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, બજરંગ દળ જામનગર જિલ્લા સંયોજક પ્રિતમસિંહ વાળા સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા આયોજન માટે જુદી જુદી બેઠકો યોજી આખરી ઓપ અપાઈ રહ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત અખંડ ભારત સંકલ્પ દિવસ ની ઉજવણી પ્રસંગે આયોજિત મશાલ રેલીનું પ્રસ્થાન પંચમુખી હનુમાનજી મંદિરના મહંત પૂ. અખિલેશ્વરાનંદજી, શ્રીબાલા હનુમાન મંદિર ના ટ્રસ્ટી, પુજારી, જામનગરના અગ્રણી કૈલાસભાઈ રામોલિયા, સુનિલભાઈ પટેલ સહિતના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવનાર છે.
વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા 14 ઓગસ્ટે આયોજિત અખંડ ભારત સંકલ્પ દિવસ ની મશાલ યાત્રામાં હિન્દુ સમાજના તમામ લોકોને જોડાવા માટે ખાસ આહવાન પણ કરવામાં આવ્યું છે.