જામનગર તા. ૦૪ ઓક્ટોબર, જામનગર શહેરના દિવાળીના તહેવાર દરમિયાન હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા ઇચ્છતા લોકોને જણાવવાનું કે, હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવાનું લાયસન્સ મેળવવા માટે નિયત નમુનામાં તમામ આધાર પુરાવા સાથે મામલતદારશ્રી, જામનગર (શહેર)ની કચેરી ખાતે તા.૧૫-૧૦-૨૦૨૧ સુધીમાં અરજી કરવાની રહેશે. તા.૧૫-૧૦-૨૦૨૧ બાદ મળેલ અરજીઓ કોઈપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં. હંગામી ફટાકડા લાયસન્સનું નિયત નમુનાનું ફોર્મ મામલતદારશ્રીની કચેરી, જામનગર (શહેર) ખાતેથી મેળવી લેવાનું રહેશે અને ફોર્મ સાથે કોવિડ-૧૯ની સલામતીના ભાગરૂપે સરકારશ્રીની અદ્યતન ગાઈડલાઈન મુજબની સાવચેતીના નિયમોનું પાલન કર્યા અંગેનું બાહેંધરી પત્ર રજુ કરવાનું રહેશે.
કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખી સલામતી માટે હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા ૫૦૦ ચો.ફુટની જગ્યા હોવી જરૂરી રહેશે જેના પુરાવા રૂપે પ્રોપર્ટીકાર્ડની નકલ અચૂકપણે અરજી સાથે જોડવાની રહેશે. જો ભાડાની જગ્યામાં અરજદારને લાયસન્સ મેળવવું હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ સાથે ભાડાકરારની સ્વપ્રમાણિત નકલ પણ અરજી સાથે જોડવાની રહેશે તેમ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ની યાદી દ્વારા જણાવવામાં આવે છે.