
જામનગર તા.૧૯ એપ્રિલ, જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેશનકાર્ડ લાભાર્થીઓનું ૧૦૦% ઈ-કેવાયસી કરાવવા બાબત, નવી વાજબી ભાવની દુકાનો શરુ કરવા, બ્રાંચ મર્જ કરવા બાબતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મામલતદારશ્રીની કચેરીઓ તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તાર, મહાપ્રભુજીની બેઠક, જામનગર ગ્રામ્યમાં ઠેબા,જીવાપર,મોરકંડા, જોડીયામાં જોડિયા-૧ અને નંદાણા, જામજોધપુરમાં શેઠવડાળા અને ઈશ્વરીયામાં ખોલવાપાત્ર થતી વાજબી ભાવની દુકાનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સરકારના ધારાધોરણો મુજબ વાજબી ભાવની દુકાનો ખોલવા માટે વસ્તીના ધોરણોમાં ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૦૦ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ લઘુતમ ૭૫% જનસંખ્યા પર એક દુકાન તથા શહેરી વિસ્તારમાં ૭૫૦૦ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ લઘુતમ ૪૮% જનસંખ્યા પર એક દુકાન ખોલવાની રહે છે.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેયબેન ગરસર, ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ.ડી.બારડ તથા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.