- મદદનીશ કલેક્ટરશ્રી સચિનકુમાર દ્વારા બાલીસણા ખાતે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની મુલાકાત.
- કોવિડ પોઝીટીવ દર્દીઓના સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરવા ઉપરાંત ગ્રામજનો સાથે બેઠક યોજી વાયરસના સંક્રમણને અટકાવવા જરૂરી પગલા લેવા આપ્યું માર્ગદર્શન.
જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા અને મદદનીશ કલેક્ટરશ્રી સચિનકુમારે પાટણ તાલુકાના ગામોમાં કોવિડ પોઝીટીવ દર્દીઓ તથા ગ્રામજનોની મુલાકાત લઈ કોવિડ માર્ગદર્શિકાના અસરકારક અમલીકરણ માટે સમજુતી આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ બોરસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં કોવિડ પોઝીટીવ કેસની સંખ્યા વધુ હોય તેવા ગામોની સમીક્ષા કરી પાટણ તાલુકાના નોરતા તળપદ ખાતે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં જઈ તે વિસ્તારના કોવિડ દર્દીઓ તથા તેમના પરિવારજનોને કોવિડ સંક્રમણને અટકાવવા જરૂરી સમજ આપી હતી.
સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નોરતા તળપદ ગામમાં રાત્રી સભા યોજી ગ્રામજનોને કોરોના વાયરસના સંક્રમણને રોકવા જરૂરી અટકાયતી પગલા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કોવિડ માર્ગદર્શિકા અને એસ.ઓ.પી. મુજબ માસ્કનો ફરજીયાત ઉપયોગ, જાહેર સ્થળોએ સામાજિક અંતર જાળવવા તથા સેનેટાઈઝરનો ઉપયોગ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગ્રામજનોને અપીલ કરી હતી.
ઉપરાંત મદદનીશ કલેક્ટરશ્રી સચિનકુમાર દ્વારા બાલીસણા ગામની મુલાકાત લેવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ અને મામલતદારશ્રી સાથે બાલીસણા ખાતે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની મુલાકાત લઈ કોવિડ પોઝીટીવ દર્દીઓના સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરી હતી. સાથે જ બાલીસણા ગામના આગેવાનો સાથે બેઠક યોજી ગામમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે જરૂરી પગલા લેવા સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.