જમીન, પાણીને દૂષિત કરનારાઓ પર ધોંસ: કાર્યવાહી કરતું જીપીસીબી.
જેતપુર પંથકમાં સાડી ધોવાના ગેરકાયદેસર ધમધમી રહેલા ઘાટને લઈ સમગ્ર વિસ્તારમાં કુવા, બોર, નદીઓમાં લાલ પાણી આવી ગયા છે. આ બાબતને ગંભીરતા ધ્યાને લઇ જીપીસીબી દ્વારા તમામ ગેરકાયદેસર સાડી ધોવાના ઘાટ પર તૂટી પડવાના આપવામાં આવેલા આદેશ બાદ તમામ વિભાગના અધિકારીઓને સાથે રાખી 15 ઘાટ તોડી નાખવામાં આવ્યા છે.
જેતપુરના રબારીકા અને પ્રેમગઢ,જાંબુડીમાં આવત્તા અમુક ખેતરોમાં જેતપુર કારખાનાઓની સાડીઓ લાવી ગેરકાયદેસર ઘાટ બનાવી તેમાં તેને ધોવાની કામગીરી ઘણા સમયથી ચાલતી હતી. જેના કારણે આ પંથકમાં ગામડાઓમાં કુવા બોર અને નદીમાં લાલ પાણી આવવા લાગ્યું છે.ખેતીને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે અને ગામડાના લોકોને ચામડી સહિતના અસંખ્ય રોગનો ભોગ બનવું પડયું છે.
આ બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હતી તેમાં બે દીવસ પહેલા વિસ્તારમાં કેટલાક પ્રદુષણ માફિયાઓ ગેરકાયદેસર સાડીઓના ધોલાઈ ઘાટ બનાવી તેનું પ્રદૂષિત પાણી છાપરવાડી નદીમાં છોડી દેતા હોવાથી પ્રેમગઢના ખેડૂતોની જમીન બંજર થઈ ગઈ હોય ખેડૂતોને વળતર આપી ધોલાઈ ઘાટ બંધ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર ગ્રામ પંચાયતે જીપીસીબીને આપ્યું હતું.જેથી ગેરકાયદેસર ઘાટ ચલાવતા ઈસમો સામે ન્યાયિક કાર્યવાહી કરવાના અને ઘાટને તોડી પાડવાના આદેશ આપતા આજે જેતપુર પંથકમાં ઘાટ તોડવાની કામગીરીના સમાચાર થી ઘાટ ચલાવતાં શખ્સોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
જેતપુર તેમજ આજુબાજુ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ઘાટ તોડી પાડવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલે છે. છતાં ગેર કાયદેસર ઘોલાઇ ઘાટ ચાલતા જ રહે છે. જીપીસીપી અને મામલદારની ટીમ દ્વારા યોગ્ય પગલા ન લેવાતા ફરી ઘોલાઇ ઘાટો ગેરકાયદેસર ચાલી રહ્યા હોવાનું લોકો માં ચર્ચાય રહ્યું છે.આજથી અઠવાડિયા પહેલા પીજીવીસીએલ, જીપીસીપી તેમજ ઇરીગેશનના અધિકારીઓ દ્વારા ચેકીંગ કરી 6 જેટલા ગેરકાયદેસર ઘાટ તોડી પાડયા હતા.