પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચમાં ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે.
જામનગરના દરેડ ખાતે માં દર્શન ગૌશાળા દ્વારા કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાય પૂજનીય છે, તે સમયે ત્યજાયેલી-નિરાધાર ગાયોની ગૌશાળા દ્વારા સંભાળ લેવામાં આવે છે. ગાયના છાણ અને મૂત્ર દ્વારા સેન્દ્રીય ખાતર, જીવામૃત વગેરે ઉત્પાદો દ્વારા ખેડૂતો માટે ઉત્તમ એવી પ્રાકૃતિક ખેતીમાં ગાય ઉત્કૃષ્ટ યોગદાન આપે છે. પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચમાં ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે, સાથે જ જમીનની ફળદ્રુપતા વધે છે.
કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમએ કૃષિમંત્રીની કાર્યશૈલીની પ્રશંસા કરી નવી જવાબદારીઓ સાથે લોકસેવામાં વધુ આગળ વધવા શુભેચ્છા પાઠવી હતી. માં દર્શન ગૌશાળામાં 325થી વધુ નિરાધાર-ત્યજાયેલ ગૌવંશની સેવા કરવામાં આવે છે. પશુઓ માટે 24X7 એમ્બ્યુલન્સ, પ્રાથમિક સારવાર માટે એક પશુ ચિકિત્સક અને 30 સ્વયં સેવકો ઉપસ્થિત રહે છે. સમારોહમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી ગોપાલભાઈ સોરઠીયા તથા વિવિધ વિસ્તારના કોર્પોરેટરઓ, માં દર્શન ગૌશાળાના પ્રમુખ ચંદુભાઈ મુંગલપરા, ટ્રસ્ટીઓ રામજીભાઇ દુધાગરા, નંદલાલભાઇ ભંડેરી, કલ્પેશભાઇ સાવલીયા, ઘનશ્યામભાઇ સંઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.