રાજકોટ તા. ૨૨ માર્ચ – મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત નારી સંરક્ષણ ગૃહ ખાતે જિલ્લા વ્યવસ્થાપન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી
કલેકટરશ્રીએ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઈ સંબંધિત વિભાગના અધિકારીઓને ગૃહના બહેતર સંચાલન માટે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ગૃહની કામગીરી અને કેસોની તેમજ ગૃહોમાંથી મુક્ત થયેલ બહેનોની સમીક્ષા કરાઈ હતી. ગૃહના કાયમી બિલ્ડિંગની દરખાસ્ત અંગેની ચર્ચા થઈ હતી. તેમજ ગૃહની અદ્યતન ગ્રાન્ટ માટેની બહાલી અપાઈ હતી. ગૃહ દ્વારા લગ્ન કરાવેલી મહિલાઓની સ્થિતિની જાણકારી પણ કલેકટરશ્રીએ મેળવી હતી.
મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલે બેઠકનું સંચાલન કર્યું હતું. આ તકે ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્યશ્રી રક્ષાબેન બોળીયા, ગૃહના મેનેજરશ્રી ગીતાબેન ચાવડા વગેરે અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.