સુરત જિલ્લાં એલસીબીએ બાતમીનાં આધારે પીપોદરા વિસ્તારમાંથી 15 લાખથી વધુનો 9108 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે બે રાજસ્થાની ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.પોલીસે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે સુરત જિલ્લાં એલસીબી દ્વારા માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિતારમાં આવેલા સમીર ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટના વિભાગ-4 એક બંધ મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા.મકાનમાં તપાસ કરતા પોલીસ ને ઘટનાં સ્થળેથી દેશી બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.
એલસીબી દ્વારા તપાસ કરતાં આ મકાન રાકેશ પટેલ નામનાં વ્યક્તિનું હોવાનું અને ચુનારામ પુરોહિત તેમજ બાબુસિંહ રાજપૂત નામનાં રાજસ્થાની ઇસમોને ભાડે આપ્યું હોવાનું ખુલ્યું હતું. પોલીસને ઘટના સ્થળેથી 15,61,200ની કિંમતનો 9108 બોટલ દારૂ મળી આવ્યો હતો. હાલ પોલીસે મકાન ભાડે લેનાર બંને રાજસ્થાની ઈસમો વિરુધ પ્રોહીબીશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી બંને ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.તેમજ દારૂ સહિતનાં મુદ્દામાલનો કબજો લઇ વધુ તપાસ હાથ ધરી છે.