અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા માટે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીશ્રીઓની બેઠક મળી
અંબાજી ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ ૨૦૨૨ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે
વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર તળેટી ખાતે યોજાશે. શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન અંગે અંબાજી મંદિર પરિસર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, ૫૧ શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે ભાદરવી પૂનમના મેળાની જેમ અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે.
આ બેઠક દરમિયાન વિવિધ સમિતિઓના અધિકારીશ્રીઓને જે કામગીરી સોંપવામાં આવી છે તે ચોકસાઈ પૂર્વક થાય અને સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમ્યાન સ્વચ્છતા અંગે સવિશેષ ધ્યાન આપવા અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી આર. કે. પટેલ, વ્યવસ્થાપક એજન્સીઓ સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.