અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણની પરાકાષ્ઠા દર્શાવતું એક અનોખું દાન સામે આવ્યું છે. એક અज्ञાત ભક્તે પોતાની ઓળખ જાહેર કર્યા વગર અંદાજે રૂ. 30 કરોડની કિંમત ધરાવતી પ્રભુ શ્રી રામની અતિ વિશિષ્ટ પ્રતિમાનું મંદિરને દાન કર્યું છે. આ દાનને રામ મંદિર સાથે જોડાયેલી સૌથી મૂલ્યવાન અને ભવ્ય ભેટોમાંની એક ગણવામાં આવી રહ્યું છે.મંદિર ટ્રસ્ટ તરફથી મળતી માહિતી અનુસાર, પ્રભુ શ્રી રામની આ પ્રતિમા કર્ણાટક શૈલીમાં તૈયાર કરાયેલ છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાનું સોનુ અને કિંમતી હીરાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રતિમાની કારીગરી એટલી સુક્ષ્મ અને ભવ્ય છે કે તે માત્ર મૂર્તિકલા જ નહીં પરંતુ ભારતીય શિલ્પકલા અને આધ્યાત્મિક પરંપરાનો અનોખો સંગમ રજૂ કરે છે.
અંગદ ટીલા પર સ્થાપનની ચર્ચા
પ્રાપ્ત વિગતો મુજબ, આ ભવ્ય પ્રતિમાને રામ મંદિર પરિસરના અંગદ ટીલા વિસ્તારમાં સ્થાપિત કરવાની શક્યતા પર હાલ વિચારણા ચાલી રહી છે. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શિલ્પવિદો અને ધાર્મિક સલાહકારો સાથે ચર્ચા કરીને પ્રતિમાની યોગ્ય સ્થાપના અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. સ્થાપન માટે ધાર્મિક પરંપરા, વાસ્તુશાસ્ત્ર અને મંદિરની આધ્યાત્મિક વ્યવસ્થાને ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે.
દાનકર્તાની ઓળખ ગુપ્ત
વિશેષ વાત એ છે કે આટલું મોટું દાન કરનાર ભક્તે પોતાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મંદિર ટ્રસ્ટે પણ ભક્તની ભાવનાનું સન્માન કરતા તેની ઓળખ જાહેર કરી નથી. ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આ દાન પાછળ ભક્તની એકમાત્ર ભાવના પ્રભુ શ્રી રામ પ્રત્યેની અખંડ શ્રદ્ધા છે, કોઈ યશ કે પ્રચાર નહીં.”
રામ મંદિર માટે વધતી ભક્તિની લહેર
રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પછી દેશ-વિદેશમાંથી દાન અને ભેટોની સતત આવક થઈ રહી છે. સોનું, ચાંદી, હીરા-માણિક્યથી લઈને ધાર્મિક અવશેષો અને કલાત્મક શિલ્પો સુધી અનેક ભક્તોએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે. પરંતુ રૂ. 30 કરોડની સોના-હીરાથી જડિત પ્રતિમા મંદિરને મળવી એ એક ઐતિહાસિક ઘટના તરીકે જોવામાં આવી રહી છે.
મંદિર ટ્રસ્ટનું નિવેદન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, મંદિરને મળતું દરેક દાન સંપૂર્ણ પારદર્શિતા અને ધાર્મિક નિયમો અનુસાર સ્વીકારવામાં આવે છે. “આ પ્રતિમા પ્રભુ શ્રી રામ પ્રત્યેની અતૂટ ભક્તિનું પ્રતીક છે અને તે ભાવિ પેઢીઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર બનશે,” તેમ ટ્રસ્ટના એક સભ્યએ જણાવ્યું.
દેશભરમાં ચર્ચાનો વિષય
આ ભવ્ય દાનની માહિતી સામે આવતાં જ દેશભરમાં ભક્તો અને ધાર્મિક વર્તુળોમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા ભક્તો આ ઘટનાને ‘રામ રાજ્યની કલ્પનાનું પ્રતીક’ ગણાવી રહ્યા છે, જ્યાં ભક્તિ સાથે સાથે સંસ્કૃતિ, કલા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળે છે.રામ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. આવા દાન અને ભક્તિભાવના મંદિરની મહિમા અને મહત્વને વધુ ઉંચાઈ આપે છે.
33









