જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકોને આવરી લેવાશે વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્તની સાથે પ્રજાલક્ષી યોજનાની જાણકારી લોકો સુધી પહોંચાડાશે.
જામનગર તા.૧૭ નવેમ્બર, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી આર.સી.મકવાણા આવતીકાલે તા.૧૮ નવેમ્બરના રોજ જામનગર તાલુકાના અલીયા ખાતેથી સવારે ૦૮:૩૦ કલાકે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાવશે. આ યાત્રામાં બે રથ દ્વારા બે રૂટ થકી ૧૮-૧૯-૨૦ નવેમ્બર દરમ્યાનમાં જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકોને તેમજ આસપાસના ગામોને આવરી લેવાશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના માધ્યમથી જનસુખાકારીના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાની સાથે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવશે. કાર્યક્રમના અંતિમ દિવસ ૨૦-૧૧-૨૦૨૧ના રોજ સાંજે ૦૪:૩૦ કલાકે ટાઉનહોલ, જામનગર ખાતે સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે ૭૧ નવા ગ્રામપંચાયત-તલાટી કમ મંત્રી નિવાસ સ્થાનોના ખાતમુહૂર્ત તેમજ કાલાવડ તાલુકા પંચાયતના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે.