બોડકાના ૯૦ રસી ન લેવા માંગતા લોકોને રસીકરણ અભિયાનમાં જોડતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કીર્તન રાઠોડ
જામનગર તા.૦૭ સપ્ટેમ્બર, જામનગર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વેક્સિનેશનની સો ટકા કામગીરી થાય અને સર્વેને સુરક્ષાચક્ર પ્રદાન થાય તે માટે જે તે વિસ્તારોમાં રસીકરણ અંગે લોકોને પ્રશ્નો હોય કે લોકો વેક્સિન લેવાથી આડઅસર થાય છે આ પ્રકારની અનેક અફવાઓથી લોકો ભરમાતા હોય તે વિસ્તારોમાં અધિકારીઓએ મુલાકાત લઇ લોકોને સમજૂત કરવાની ઝુંબેશ હાથ ધરી છે, ત્યારે જામનગરના જોડીયા તાલુકાના પીઠડ આરોગ્ય કેન્દ્રની નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કીર્તન રાઠોડે મુલાકાત લીધી હતી. જોડીયામાં પીએચસી દીઠ બે ગામમાં રસી ન લેવા માંગતા લોકોનો સર્વે કરવામાં આવ્યો. સર્વે બાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રસી ન લેવા માંગતા વિસ્તારોની જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ અંગે લોકોને સમજૂત કરવાના કામમાં અધિકારીશ્રીએ પહેલ કરી.
જોડિયાના પીઠડના પીએચસી ખાતે આ અંગે તપાસ કરતા જોડિયા થી ૦૩ કિલોમીટર દૂરના બોડકા ગામ વિશે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને ખ્યાલ આવ્યો કે ત્યાં આશરે ૧૦૦ જેટલા આદિવાસી તથા દેવીપૂજક સમાજના લોકો રસી લેવા માંગતા નથી. આરોગ્ય વિભાગના અનેક પ્રયત્નો અને અનેક સમજૂતી કાર્યક્રમ કરવા છતાં પણ લોકો રસી વિશે અનેક અવિશ્વાસભર્યા કારણોથી દોરવાયેલા હતા. આ તકે, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને તેમની ટીમના ફિમેલ હેલ્થ વર્કર, મેડિકલ ઓફિસર, એફ.પી.એસ દુકાનદાર, સરપંચ, તલાટી સહિતની ટીમ બોડકા પહોંચી. આશરે ૨૦૦ જેટલા ગ્રામજનોએ આવકારીને અધિકારીઓ સાથે વાતચીત પણ કરી.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કીર્તન રાઠોડ અને ટીમ દ્વારા વેક્સિનને લઈને અવિશ્વાસ દર્શાવતા દરેક વ્યક્તિ સાથે ખૂબ શાંતિપૂર્વક વાતચીત કરવામાં આવી, તેમને સમજાવવામાં આવ્યા અને તેની ગેરસમજ દૂર કરવામાં આવી. આ ગેરસમજણ દુર થતા જ ઓન ધ સ્પોટ રાત્રિના ૧૧ વાગ્યા સુધીમાં ૯૦ જેટલા લોકોએ સ્વેચ્છાએ ખુશીથી રસીકરણ કરાવ્યું. વળી ઓન ધ સ્પોટ રસીકરણ સાથે જ આ મુલાકાત એક રાત્રી સભા પણ બની ગઈ. ગામના લોકોએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને તેમના પ્રશ્નો અને રજૂઆતો પણ કરી અને સ્થળ પર જ અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું. દરેક વિભાગના અધિકારીને કામગીરી માટેના સુચનો પણ અપાઈ ગયા. આમ, રસીકરણ અભિયાન અને રાત્રી સભા થકી ગામના દરેક લોકોની આંખ અને ચહેરા પર તંત્ર ઉપરનો વિશ્વાસ છલકતો જોવા મળ્યો હતો અને બોડકા ગામના લોકોને સુશાસનની પ્રતિતી થઇ હતી.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઇ
જામનગર તા.૦૮ સપ્ટેમ્બર, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સુખાકારી સમિતીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્વચ્છતા, સેનીટેશન વિશેના વિવિધ પ્રોજેકટ વિશે ચર્ચા કરી બહાલી આપવામાં આવી હતી.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં સેનીટેશનની જરૂરિયાતને લઈને ખાસ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સેનિટેશનની સુવિધાઓ ન હોય તેવી ૧૧, કુમાર અને કન્યા માટે અલગ સુવિધાની જરૂર હોય તેવા ૩૧ અને સેનિટેશન જર્જરિત હાલતમાં હોય તેવી કુલ ૬૯ જેટલી પ્રાથમિક શાળાઓમાં ઝુંબેશના ધોરણે ૧૫ માં નાણાપંચ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની ગ્રાન્ટ દ્વારા બાળકોની જરૂરિયાતોને લક્ષમાં લઇને તાત્કાલિક શૌચાલયની કામગીરી હાથ ધરાશે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત પાયલટ પ્રોજેક્ટ ગોબરધનને લાગુ કરવા વિશે પણ બહાલી આપવામાં આવી હતી. જેમાં જામનગરના સાત ગામના ૧૦૨ લાભાર્થીઓના બનેલા ૩૦ ક્લસ્ટરને આ પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવેલ છે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જે ખેડૂતો પાસે પોતાના પશુઓ હોય અને તેઓ ગોબરને ખાતર તરીકે બનાવી ખેતર માટે ઉપયોગમાં લેવા ઇચ્છતા હોય તેવા ખેડૂતોને ક્લસ્ટર દીઠ ટાંકી આપવામાં આવે છે અને તેમાંથી તૈયાર થયેલ ખાતર તેઓ પોતાના ખેતરમાં વાપરી શકશે. આ પાયલોટ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીના વિકાસ સાથે ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવણીનો છે.
એન.એલ.ઓ.બી ફેઝ વન અંતર્ગત વ્યક્તિગત શૌચાલય યોજના તેમજ સામુહિક શૌચાલય યોજનાના થયેલા કામોની જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સમીક્ષા કરી હતી. એન.એલ.ઓ.બી ફેઝ વન અંર્તગત જામનગર જિલ્લાએ ૧૦૦% કામગીરી પૂર્ણ કરી સિદ્ધિ હાંસલ કરી છે. તદુપરાંત કમ્પોસ્ટપીટ એટલે કે રસ્તા પરના પડેલા કચરાના નિકાલની વ્યસ્થા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં શોકપીટ એટલે કે જે તે વિસ્તારોમાં પાણી થકી ગંદકીનું નિર્માણ થતું હોય કે જ્યાં ગટર વ્યવસ્થા ન હોય ત્યાં મનરેગા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શોકપીટનો લાભ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો, અનુસૂચિત જાતિ-જનજાતિ, વિધવાઓ વગેરેને વ્યક્તિગત શોકપીટ અંગે પણ જો અરજી કરવાની હોય તો તેઓને સો પ્રતિશત મનરેગા હેઠળ કામ થશે અને તેની વ્યક્તિગત શોકપીટનો ખર્ચ પણ આ યોજના અંતર્ગત આપવામાં આવશે. આગામી સમયમાં ગ્રામ પંચાયત સ્તરે પણ ડોર ટુ ડોર કચરા કલેકશનની વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવશે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાયજાદાએ માહિતી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા સુખાકારી સમિતિના સભ્ય શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા બોર્ડ, માહિતી અધિકારી, આઇ.સી.ડી.એસ જામનગર પ્રોગ્રામ ઓફીસરશ્રી અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.