દેવાંગી ભટ્ટની નવલકથા ‘અશેષ’ ને ‘દર્શક એવોર્ડ’ એનાયત થયો
કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2020 ના શ્રેષ્ઠ પુસ્તક માટેનો દર્શક એવોર્ડ, દેવાંગી ભટ્ટની નવલકથા ‘અશેષ’ ને એનાયત થયો હતો. દેવાંગી ભટ્ટને વર્ષ 2019 માં એમની નવલકથા ‘વાસાંસિ જીર્ણાનિ ‘ માટે સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ નવલકથાનો પુરસ્કાર મળી ચુક્યો છે. એમની કુલ સાત નવલકથા અને એક વાર્તસંગ્રહ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયા છે. નાટ્યલેખન માટે દેવાંગી ભટ્ટને ઇન્ડિયન નેશનલ થિયેટર, ટ્રાન્સમિડીયા અને સંગીત નાટ્ય અકાદમી દ્વારા સમ્માનિત કરાયા છે.
શ્રી રામસ્વરૂપ દ્વારા લખાયેલ ‘હિન્દુઇઝમ – રીવ્યુઝ એન્ડ રીફલેક્શન’ નો ગુજરાતી અનુવાદ દેવાંગીબહેને કર્યો છે. હાલ શ્રી મધુ રાયના મમતા સામયિક માટે તેઓ ધારાવાહિક નવલકથા ‘એક હતી ગુંચા’ લખી રહ્યા છે. કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનના અમદાવાદ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં અકાદમી અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના હસ્તે ‘દર્શક એવોર્ડ’ આપવામાં આવ્યો.