ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિ તરીકે વિશ્વવિખ્યાત બેટ દ્વારકા આજે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. જ્યાં આસ્થા, સંસ્કૃતિ અને ભક્તિનો સંગમ થવો જોઈએ, ત્યાં આજે ગેરકાયદે બોટિંગ, ડોલ્ફિનને રંજાળવાની પ્રવૃત્તિ, જમીન કબજો અને ભ્રષ્ટાચારની ખુલ્લી રમત ચાલી રહી હોવાની ચર્ચા સમગ્ર દેવભૂમિ દ્વારકામાં ગુંજતી થઈ છે. વડોદરાના હરણી બોટ કાંડ અને મોરબીના ઝૂલતા પુલ જેવી ભયાનક દુર્ઘટનાઓ બાદ રાજ્ય સરકારે જળક્રીડા અને મનોરંજન પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ મૂક્યો હતો, છતાં પણ બેટ દ્વારકામાં દરિયાની વચ્ચે જાણે કાયદો દરિયાના તળિયે ડૂબી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
હરણી અને મોરબી બાદ પણ પાઠ ન ભણાયો
રાજ્યએ તાજેતરના વર્ષોમાં બે મોટી દુર્ઘટનાઓ જોઈ છે. હરણી બોટ કાંડમાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો અને મોરબીના ઝૂલતા પુલના કાંડમાં સેકડો પરિવારો શોકમાં ડૂબી ગયા. આ ઘટનાઓ બાદ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સલામતી, નિયમો અને પરમિશન બાબતે કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા. પરંતુ બેટ દ્વારકામાં જે સ્થિતિ જોવા મળી રહી છે તે એ સાબિત કરે છે કે કેટલાક સ્થળોએ નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે.
પ્રતિબંધ છતાં ગેરકાયદે બોટિંગ અને ડોલ્ફિનને રંજાળવાની ખુલ્લી હિંમત
બેટ દ્વારકાના દરિયામાં આજે પણ બેફામ ગેરકાયદે બોટિંગ ચાલી રહ્યું છે. પ્રવાસીઓને પરમિશન વિના બોટમાં બેસાડવામાં આવી રહ્યા છે, તેમને દરિયાના ખતરનાક વિસ્તારોમાં લઈ જવાઈ રહ્યા છે અને ડોલ્ફિનને રંજાળવાના નામે જોખમી મનોરંજન પીરસવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રવૃત્તિમાં સલામતીના કોઈ પૂરતા સાધનો નથી – લાઈફ જેકેટ, ટ્રેન્ડ સ્ટાફ કે ઈમરજન્સી વ્યવસ્થા બધું જ નામમાત્ર.
પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, અનેક બોટો તો સીધા મુખ્ય દરિયાઈ ચેનલમાં ફરતી રહે છે, જ્યાંથી મોટા વિદેશી જહાજો પસાર થાય છે. જો અહીં નાનકડી પણ બેદરકારી થાય તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં. હરણી કાંડ જેવી આફત અહીં પણ કોઈપણ સમયે ત્રાટકી શકે છે, અને તે પણ તંત્રની આંખ આડા કાન કરવાની નીતિના કારણે.
મુખ્ય દરિયાઈ ચેનલ – અકસ્માતને આમંત્રણ
બેટ દ્વારકાનું મુખ્ય દરિયાઈ ચેનલ અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. આ ચેનલમાંથી મોટા જહાજો, કાર્ગો વેસલ્સ અને અન્ય વ્યાપારી જહાજો અવરજવર કરે છે. કાયદા મુજબ, પ્રવાસીઓને બોટમાં બેસાડવા માટે માત્ર અધિકૃત જેટીનો જ ઉપયોગ થવો જોઈએ. રેમ્પ, રબર પુલ અથવા અસ્થાયી માળખા બનાવીને બોટિંગ કરવું સંપૂર્ણપણે ગેરકાયદે છે. છતાં અહીં ખુલ્લેઆમ આવા માળખા ઉભા કરીને પ્રવાસીઓને બોટમાં બેસાડવામાં આવી રહ્યા છે.
સ્થાનિક લોકોમાં ભય છે કે જો આ વિસ્તારમાં અકસ્માત થયો તો એક સાથે અનેક લોકોના જીવ જોખમમાં પડી શકે છે. દરિયાની વચ્ચે જો બોટ પલટી જાય કે જહાજ સાથે અથડાય, તો બચાવ કામગીરી પણ અત્યંત મુશ્કેલ બની શકે છે.
સ્થાનિક ખેડૂતની જમીન પર ગેરકાયદે કબજો
આ સમગ્ર મામલામાં વધુ આઘાતજનક બાબત એ છે કે ગેરકાયદે બોટિંગ અને મનોરંજન પ્રવૃત્તિઓ માટે સ્થાનિક ખેડૂત ફકીર મામદની જમીન પર દાદાગીરી કરીને કબજો જમાવવામાં આવ્યો છે. અમુક લુખ્ખા તત્વો અને બોટ સંચાલકોએ આ જમીન પર પાકા બાંધકામ ઉભા કરી દીધા છે અને ત્યાંથી જ ગેરકાયદે વેપલો ચલાવવામાં આવી રહ્યા છે.
સ્થાનિક ખેડૂત માટે આ માત્ર જમીન ગુમાવવાની વાત નથી, પરંતુ તેમની રોજીરોટી, જીવન અને સન્માન પર સીધો હુમલો છે. બીજી તરફ, આ જમીન પરથી શરૂ થતી પ્રવૃત્તિઓ પ્રવાસીઓના જીવ સાથે બાજી લગાવતી હોવાથી તેને માનવ વધ થવાની સંભાવના ધરાવતું કારસ્તાન કહી શકાય.
જવાબદાર સંસ્થાઓની શંકાસ્પદ નિષ્ક્રિયતા
આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિઓ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કોસ્ટ ગાર્ડ, સ્થાનિક પોલીસ મથક અને પાલિકા જેવા જવાબદાર તંત્ર ક્યાં છે? સ્થાનિકોમાં ચર્ચા છે કે આ સંસ્થાઓ જાણે આંખે આંધળી અને કાને બેહરી બની ગઈ છે. ‘ગુજરાતની અસ્મિતા’ દૈનિકમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ થોડા દિવસો માટે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ફરીથી આ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે, જે સ્પષ્ટ કરે છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અને મળતાવળની ગંધ છે.
લોકો ખુલ્લેઆમ પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ ગેરકાયદે બોટિંગને ઉપરથી આશીર્વાદ મળી રહ્યા છે? જો એમ ન હોત તો પ્રતિબંધ હોવા છતાં આ પ્રવૃત્તિઓ ફરી શરૂ થવી શક્ય ન હોત.
પવિત્ર યાત્રાધામમાં અકસ્માતે મોતના દ્રશ્યોની ભીતિ
બેટ દ્વારકા માત્ર એક પ્રવાસન સ્થળ નથી; તે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષ યાત્રાળુઓ કે પ્રવાસીઓના જીવ જાય, તો તે માત્ર એક અકસ્માત નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે કલંક સમાન ઘટના બનશે. ભ્રષ્ટ અધિકારીઓના પાપે જો પવિત્ર યાત્રાધામમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે?
સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ અને માંગ
આ સમગ્ર મામલે સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને જાગૃત લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે:
-
તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરવામાં આવે
-
બેટ દ્વારકામાં ગેરકાયદે બોટિંગ અને મનોરંજન પ્રવૃત્તિઓ પર કાયમી રોક લગાવવામાં આવે
-
સ્થાનિક ખેડૂતની જમીન પર કબજો કરનારા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે
-
જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરીને તેમની સામે તપાસ હાથ ધરવામાં આવે
જો આ પગલાં તાત્કાલિક લેવામાં નહીં આવે, તો બેટ દ્વારકા જેવી પવિત્ર જગ્યા પર મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં, અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકાર પર આવશે.
જનહિતમાં અવાજ ઉઠાવવાનો ધર્મ
આ અહેવાલ પાછળ કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી. ‘ગુજરાતની અસ્મિતા’નો એકમાત્ર હેતુ જનહિતમાં સત્યને ઉજાગર કરવાનો છે. જ્યાં જ્યાં કાયદો અને ન્યાય દબાઈ જાય છે, ત્યાં ત્યાં પત્રકારિતાનો ધર્મ અવાજ ઉઠાવવાનો છે. આ મુદ્દે ‘ગુજરાતની અસ્મિતા’ સતત વોચ રાખી રહ્યું છે અને આગળ પણ જનતાના હિતમાં આવા કારસ્તાનોને ઉજાગર કરતું રહેશે.
વહીવટી તંત્ર અને સરકારને સ્પષ્ટ અપીલ છે કે, પ્રમાણિકતા અને નિષ્ઠા સાથે તાત્કાલિક કાર્યવાહી કરો. નહિતર જનતાનો આક્રોશ એવો સ્વરૂપ લઈ શકે છે કે તે તમારા માટે સંભાળવો મુશ્કેલ બની જશે. ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ બેટ દ્વારકાને ભ્રષ્ટાચાર અને ગેરકાયદે પ્રવૃત્તિઓથી મુક્ત કરવી એ માત્ર કાયદાકીય નહીં પરંતુ નૈતિક ફરજ પણ છે.








