જામનગર જીલ્લામાં કાલાવડ પંથકમાં એક શખસે ‘પત્રકારત્વ’ના જોરે નાણાં પડાવવાની કોશિષ કરતા ભાઠે ભરાવા જેવી સ્થિતિ સર્જાઇ છે જે બનાવમાં એગ્રો દુકાન માલિકે કથિત પત્રકાર અને તેની સાથે રહેલા એક શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ કેસની જાણવા મળતી વિગત પ્રમાણે, કાલાવાડ પંથકના ધોરાજી માં આવેલ એસ.ટી.રોડ મેઇન રોડ ઉપર, ‘જય એગ્રો’ નામની દુકાન ચલાવતાં ચંદુભાઇ રવજીભાઇ ડોબરીયા(પટેલ) (ઉ.વ.40 ધંધો ખેતી તેમજ એગ્રો રહેવાસી નાની માટલી તા.જિ. જામનગર.) એ જામનગર પંથકના પસાયા બેરાજામાં રહેતા હિતેશભાઇ ભીખુભાઇ ડોબરીયા અને તેની સાથે આવેલ એક અજાણ્યા શખ્સ સામે ખોટી રીતે ધાકધમકી આપી નાણા પડાવવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ચંદુભાઇ રવજીભાઇ ડોબરીયા ‘જય એગ્રો’ નામની દુકાને હિતેશભાઇ ડોબરીયા તથા તેમના માણસો આઇ.એન.એ.ચેનલ ના પત્રકાર તરીકેની ઓળખ આપી ચંદુભાઇને કહેલ કે, તમો ડુપ્લીકેટ દવા વેચાણ કરો છો તેમજ બીલ વગરની દવા વેચો છો, તેમ કહી….મામલો પતાવટ કરવાના બળજબરીથી રૂપીયા 50,000/ની માગણી કરી હતી.
તેમજ અન્ય લોકો પાસે પણ પતાવટ કરવાના રૂપીયાની રૂબરૂમા તથા મોબાઇલ ફોનથી માગણી કરી, જો પૈસા નહી આપો તો કંપની તથા પોલીસ મારફતે રેઇડ કરાવી દુકાન બંધ કરાવી દઇશ તેવી ધમકીઓ આપી તથા અન્ય પાસેથી આ જ રીતેની ધાકધમકી આપી નાણા પડાવી લઇ તથા પડાવી લેવાની કોશિષ કરી હતી.
જેથી ચંદુભાઇ રવજીભાઇ ડોબરીયાએ હિતેશભાઇ ડોબરીયા સામે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી કલમ 384, 385, 506(1), 114 મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.