કોવિડ વેક્સીનેશનના આંકને 100 કરોડ પાર લઈ જનારા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા આશા વર્કર બહેનોને મંત્રીશ્રીએ સન્માનિત કર્યા
જામનગર તા.૨૨ ઓક્ટોબર, ખીમરાણા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ, માં કાર્ડ કેમ્પ તથા PCV વેક્સીનેશન કેમ્પ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેને રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજી પેટેલે ખુલ્લો મૂકી વધુમાં વધુ લોકોને આ આયોજનોનો લાભ લેવા આગ્રહપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાળકો તંદુરસ્ત રહે, બાળ મરણનું પ્રમાણ ઘટે તેમજ આવનારી પેઢી સશક્ત અને નિરોગી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા રસીકરણ સહિતના અનેક આયોજનો ઘડી કાઢવામાં આવ્યા છે.જેના ઉપલક્ષમાં હાલમાં જ બજારમાં બે હજાર જેટલી કિંમતે મળતી PCV રસી 0 થી 5 વર્ષના દરેક બાળકને વિનામૂલ્યે આપવાનું સરકાર દ્વારા નકી કરાયું છે.મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કોરોનાના કપરાકાળમાં પણ ભારત દેશે સ્વદેશી વેકસીન વિકસાવી અને 100 કરોડ લોકોનું સફળતાપૂર્વક વેક્સીનેશન કરી ઇતિહાસ રચ્યો છે.ત્યારે વેક્સીનેશનની આ કામગીરીમાં જોડાયેલ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, આશા વર્કર તેમજ આંગણવાડી બહેનોનું મંત્રીશ્રીએ પુષ્પગુચ્છ અર્પી સન્માન કરી તેઓની આ કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે શ્રી મુકુંદભાઈ સભાયા, શ્રી કુમારપાલસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બથવાર, શ્રી વિક્રમભાઈ માંડવીયા, શ્રી મોહનભાઇ ચૌહાણ, શ્રી નંદલાલ ભાઈ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.