રાજકોટ તા. ૨૧ ફેબ્રુઆરી – આગામી તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજના હેઠળ બેન્ક દ્વારા આપવામાં આવતી લોન તેમજ અન્ય સહાયના લાભાર્થીઓ અંગે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મેળામાં વધુને વધુ લાભાર્થીઓને સરકારી યોજનાકીય લાભ મળે તે માટે લીડ બેન્ક હેઠળ તમામ બેન્કોને કામગીરી કરવા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા નરેગા સહીત વિવિધ યોજનાના લાભાર્થીઓને બેંકમાં સરળતાથી તેમને લાભ મળી રહે તે માટે ખાસ અનુરોધ કરાયો હતો.
આગામી ગરીબ કલ્યાણ મેળામાં હાઉસિંગ, મુદ્રા, એજ્યુકેશન, સુકન્યા સમૃદ્ધિ, પેન્સનર સહીતના ૪૦૦૦ થી વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે તેમ એસ.બી.આઈ. લીડ બેન્કના જનરલ મેનેજર શ્રી કે. બિસવાલે જણાવ્યું હતું . આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી કિશોર મોરી તેમજ વિવિધ બેન્કના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.