જામનગરમાં નવેમ્બરમાં હિન્દુ સેનાએ મૂકેલી ગોડસેની પ્રતિમાને કોંગ્રેસના કાર્યકરોએ તોડી નાખતા હંગામો થયેલો જામનગર
અત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ નથુરામ ગોડસેને હીરો ચીતરતા મુઠ્ઠીભર લોકો ચર્ચામાં છે.જેનાથી સોશ્યલ મિડીયામાં છવાયેલી ગરમા-ગરમી વચ્ચે ગાંધીના ગુજરાતમાં જામનગરમાં ગોડસેના પૂતળા બાદ હવે’ગોડસે ગાથા’સાથે હિન્દુ સેનાએ નવા વર્ષનો આરંભ કરી વિવાદનો મધપૂડાને છંછેડયો છે. હિન્દુ સેનાએ દેશમાં પ્રથમ વખત જામનગર શહેરમાં તા.૧ના રોજ ગોડસે ગાથા રજુ કરીને નવા વર્ષની પ્રવૃત્તિનો આરંભ કર્યો છે. જેમાં ગોડસેએ સજા અગાઉ અદાલતમાં આપેલું અંતિમ સ્ટેટમેન્ટનું વાંચન કરવામાં આવ્યું હતું. આ સાથે સંસ્થા દ્વારા ગામડાઓ અને અન્ય જિલ્લાઓ સુધી ગોડસે ગાથા પહોંચાડવા સંકલ્પ લેવાયો હતો. ગત તા.૧ના રોજ કૃષ્ણનગર વિસ્તારમાં ગોડસે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિકભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે, ભારતવર્ષમાં પ્રથમ વખત ગુજરાતના જામનગરમાં હિન્દુ સેનાએ અનેક બાધાઓ પાર કરીને ગોડસે ગાથાની શરુઆત કરી છે.
જેમાં નિડર ક્રાંતિકારી યુવાનો જોડાયા હતા. જામનગરમાં ભાવેશભાઈ ઠુમ્મરના ઘરે ધરેથી ગોડસે ગાથા શરુ કરીને અલગ-અલગ વિસ્તારો, ગામડાઓ, જિલ્લાઓ સુધી ગોડસે ગાથા પહોંચાડવાનો સંકલ્પ હિન્દુ સેનાએ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના સૌરાષ્ટ્ર યુવા અધ્યક્ષ મયુર પટેલ, શહેર પ્રમુખ દિપક પિલ્લે સહિતના યુવાનો જોડાયા હતાં. આ કાર્યક્રમ અંતર્ગત ગોડસેએ તા.૮ નવેમબર ૧૯૪૯ના રોજ અદાલતમાં આપેલું પોતાનું છેલ્લું સ્ટેટમેન્ટ ગોડસેગાથામાં જાહેર કરાયું હતું. ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમાનું હિન્દુ સેના દ્વારા જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલા સંપતબાપુના આશ્રામની જગ્યામાં તા.૧પ નવેમ્બરના રોજ પ્રસ્થાપિત કરતાં કોંગ્રેસના શહેર પ્રમુખ દીગુભા જાડેજા અને કોંગ્રેસી કોર્પોરેટર ધવલ નંદાએ નથુરામ ગોડસેની પ્રતિમાને પથ્થરો મારીને ખંડિત કરીને તોડી પાડી હતી. જે મામલે સંસ્થા અને કોંગ્રેસના હોદેદારો દ્વારા સામસામી લાગણી દુભાવવાની અને ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંન્ને પક્ષે ધરપકડો કરી હતી.
- હિન્દુ સેનાએ ફરી શાંત જળમાં પથ્થર ફેંક્યો
- નથુરામ ગોડસેના વિચારો ગામે-ગામ પહોંચાડવા સંકલ્પ
- ગોડસેએ અદાલતમાં આપેલા સ્ટેટમેન્ટનો થતો પ્રચાર