Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝદેવભૂમિ દ્વારકા

જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન નિર્મિત ગુજરાતની પ્રથમ પીડીયાટ્રીક કોવિડ હોસ્પિટલનો પ્રારંભ; મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ કહ્યું:

  • બાળકોના રોગની સારવાર કરતી ડેડીકેટેડ પીડીયાટ્રીક કોવિડ હોસ્પિટલ થકી બાળકોના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવામાં આવશે
  • રાજ્ય સરકારે બાળકોના શિક્ષણ થી લઇ પોષણ સુધીની ચિંતા કરી છે
  • પ્રથમ પીડીયાટ્રીક કોવિડ હોસ્પિટલના પ્રારંભ સાથે રિલાયન્સે બાળ આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં એક નવી હેલ્થ ફેસેલિટીનો આરંભ કરી જનસેવામાં મોટું યોગદાન આપ્યું છે

જામનગરમાં તા. ૦૧ ઓકટોબરના રોજ ગુજરાતની પ્રથમ પિડિયાટ્રિક કોવિડ હોસ્પિટલનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતની પ્રથમ ૨૩૦ બેડની પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલના ઈ-લોકાર્પણ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સરાહનીય કાર્ય બદલ બિરદાવી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ કહ્યું હતું કે, જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની પ્રથમ અલાયદી પીડીયાટ્રીક હોસ્પિટલનો પ્રારંભ થતા ગુજરાતમાં ઉપલબ્ધ બાળ આરોગ્ય સુવિધાઓમાં ઉમેરો થયો છે. રિલાયન્સ ફાઉન્ડેશને અનેકવિધ સેવાકાર્યોથી પોતે કમાવવું અને બીજાને ખવડાવવું તે ભારતીય સંસ્કૃતિના મંત્રને ચરિતાર્થ કર્યો છે.

બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. રાજ્ય સરકારે બાળકોના શિક્ષણ થી લઇ પોષણ સુધીની ચિંતા કરી છે. બાળકોને કોરોના મહામારી કે અન્ય કોઈપણ પ્રકારના રોગચાળાથી સંપૂર્ણ સુરક્ષિત રાખવા માટે તેમજ બાળકોને વિવિધ રોગોની ચિકિત્સા અને સારવાર મળે તે માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલમાં છે. રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ, આયુષ્માન ભારત- મા કાર્ડ યોજના, બાલ સખા યોજના, ચિરંજીવી યોજના દ્વારા રાજ્યના બાળકોના આરોગ્યની સંભાળ અને ચિંતા સરકારે કરી છે. ત્યારે ગુજરાતમાં બાળકોના રોગની સારવાર કરતી ડેડીકેટેડ પીડીયાટ્રીક કોવિડ હોસ્પિટલ થકી બાળકોના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવામાં આવશે.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ૨૩૦ બેડની હોસ્પિટલ ચિલ્ડ્રન આઇ.સી.યુ, નિયોનેટલ આઇ.સી.યુ, અત્યાધુનિક વેન્ટિલેટર મશીન વગેરે સુવિધાઓ સાથે કાર્યરત છે. જેનાથી કોરોનાની સંભવત: ત્રીજી લહેરમાં બાળકોને અત્યાધુનિક અને સારામાં સારી સારવાર આપી શકવા માટે આ હોસ્પિટલ સજ્જ છે.

ગુજરાત સરકારે કોરોનાની બંને લહેર દરમિયાન આરોગ્ય સુવિધાઓમાં સતત ઉમેરો કર્યો છે. રાજ્ય સરકારે આઇ.સી.યુ., ઓક્સિજન, બેડ, આવશ્યક દવાઓ અને રસીકરણ માટે પુરતા સાધનો અને માનવઆશ્રમ પૂરા પાડ્યા હતા. સાથે જ રિલાયન્સ જેવી વિશાળ જનસેવા કરતી સંસ્થાએ પણ આ સમયમાં સાથ પૂરો પાડયો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં તત્કાલીન સમયમાં આખા દેશમાં મેડિકલ ઓક્સિજન સપ્લાય માટેનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ત્યારે પણ દૈનિક હજાર મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરી કોરોના સમયમાં મેડિકલ ઓક્સિજન સપ્લાયમાં મોટું યોગદાન આપ્યું હતું. અગાઉ પણ રિલાયન્સે માત્ર ૧૦ જ દિવસમાં જામનગરમાં ૪૦૦ બેડની કોવિડ કેર ફેસીલીટી જી.જી. હોસ્પિટલ ખાતે શરૂ કરી હતી અને હવે જી.જી.હોસ્પિટલના જ ભાગરૂપે જામનગરમાં ગુજરાતની પ્રથમ પીડીયાટ્રીક કોવિડ હોસ્પિટલના પ્રારંભ સાથે રિલાયન્સે બાળ આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં એક નવી હેલ્થ ફેસેલિટીનો આરંભ કરી જનસેવામાં મોટું યોગદાન આપ્યું છે.

આ તકે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલએ રિલાયન્સ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય થકી અન્ય કોર્પોરેટ હાઉસીસ માટે પણ માર્ગદર્શક ચિન્હ બની આ પહેલ અન્યોને પણ પ્રેરણા આપશે તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરી ડોક્ટર અને સાથે જ મેડિકલ માળખાને પણ વધુ સુસજ્જ બનાવીને આરોગ્ય સુવિધાઓ વિકસાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં ગુજરાત સતત મોખરે રહી અને આ ઝુંબેશમાં સાથ આપી રહ્યું છે તો વેક્સિનેશનમાં પણ ગુજરાત મોખરે રહ્યું છે તેમ આરોગ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર અને દ્વારકાને સતત સાથ આપવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા તેમજ કહ્યું હતું કે, સંભવિત ત્રીજી લહેર જો આવે તો ભાવિ પેઢીને સારામાં સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે માટે રિલાયન્સનું આ પગલું સરાહનીય છે. કોરોના સમયમાં દેશની જરૂરિયાતનો ૧૧ ટકા જેટલો ઓક્સિજન સપ્લાય તો માત્ર રિલાયન્સે આપ્યો હતો, પીપીઇ કીટ, માસ્ક અને અન્ય દવાઓમાં પણ રિલાયન્સએ લોકોની મદદ કરી છે સાથે જ મંત્રીશ્રીએ કોરોના સમયમાં જી.જી.હોસ્પિટલમાં સતત કાર્યરત રહેલા કોરોના વોરિયર્સને બિરદાવ્યા હતા.

જામનગર ખાતે ઉપસ્થિત રહેલા સાંસદ શ્રી પૂનમબેન માડમે જામનગરમાં આરોગ્યલક્ષી સુવિધાઓ માં વધુ એક મોરપંખ ઉમેરવા બદલ અને જામનગરના નાગરિકોની ચિંતા કરવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા. રિલાયન્સે કોરોનાના સમયમાં પરિવારજનની જેમ સમગ્ર જામનગરને હૂંફ આપી તાત્કાલિક દરેક વ્યવસ્થાઓમાં સાથ આપ્યો છે તેમ જણાવી સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે, કોવિડની બીજી લહેર દરમિયાન રિલાયન્સે ચારસો બેડની હોસ્પિટલ,ઓક્સિજન સપ્લાયની સુવિધા પૂરી પાડી જામનગર માટે પરિવારના સભ્યની જેમ ઊભું રહ્યું હતું ત્યારે ૨૩૦ બેડની આ નવી પીડીયાટ્રીક હોસ્પિટલ સુવિધા સાથે રિલાયન્સ હેલ્થ કેર ફેસિલીટીનો ઉત્તમ લાભ જામનગર અને તેની આસપાસના વિસ્તારોના બાળકોને મળશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશા લોકો સાથે જોડાયેલું છે, લોકો સાથે રિલાયન્સ સરકાર સાથે મળી હંમેશા પરિવારજન સમાન કામ કરતું રહ્યું છે અને કરતું રહેશે તેમ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરમાં આવેલી ૨૩૦ બેડની ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલમાં ૩૦ ચિલ્ડ્રન આઇ.સી.યુ, ૧૦ નિયો-નેટલ આઇ.સી.યુ.ની સાથે વધારાનાં ૨૨ મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ અને ૧૦ અત્યાધુનિક વેન્ટીલેટરનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓ જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતા માટે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા તૈયાર છે. અહીં દરેક બેડને મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો નિર્બાધ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતી વખતે આધુનિક કોવિડ કેર ફેસિલિટીઓ જેવી કે પી.આઇ.સી.યુ. માટે બાય પેપ મશીન, એચ.એફ.એન.સી. યુનિટ, સી-પેપ મશીન ડિવાઇસ, તથા એન.આઇ.સી.યુ. વિગેરેની સ્પેસિફિક જરૂરિયાતનાં સાધનોની વ્યવસ્થાઓ રાખવામાં આવેલી છે. અહીં ઇ.સી.જી. મશીનો, ડીફ્રિબ્રિલેટર મશીનો, ચિલ્ડ્રન વેઇંગ મશીનો, નિયો નેટલ પલ્સ ઓક્સિમીટર, ઓટો સ્કોપ, ઓપ્થેલ્મો સ્કોપ, ઇન્ફ્રારેડ થર્મોમીટર, વેઇન ફાઇન્ડર્સ, લોરિંગો સ્કોપ, અમ્બુ-બેગ વિગેરે આધુનિક મેડીકલ સાધોનો પણ અહીં પૂરા પાડવામાં આવેલા છે. વિશેષમાં, દર્દીઓના બેડ સુધી લઇ જઇ શકાય તેવું વાયરલેસ ટેકનોલોજીથી સુસજ્જ, ખૂબ જ હળવું વજન ધરાવતું (૧.૮ કિલોગ્રામ), પોર્ટેબલ એક્સ-રે યુનિટ સાથેનું સ્ટેટ ઓફ આર્ટ એક્સ-રે મશીન પણ કોઇપણ ઇમર્જન્સીને પહોંચી વળવા માટે ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. આ યુનિટ ખૂબ જ પર્યાવરણ સાનુકૂળ (લઘુત્તમ રેડિએશન અને વીજ વપરાશ રહિત) છે.

હોસ્પિટલમાં દરેક વોર્ડમાં પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ જળવાઈ રહે તેની તકેદારી રાખવામાં આવી છે. બાળદર્દીઓ માટેની આ હોસ્પિટલમાં તેમની માતાઓ સાથે રહી શકે તે માટેની સગવડો પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

આ પ્રસંગે જામનગર ખાતેથી મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, અધિક નિવાસી કલેકટર શ્રી એમ. પી. પંડ્યા, રિલાયન્સ ફાઉન્ડેશનના શ્રી મનોજભાઈ અંતાણી, જી.જી.હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ડૉ. દિપક તિવારી, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન શ્રી નંદીની દેસાઈ કોરોના નોડલ ડો. એસ.એસ. ચેટરજી, અધિક સુપ્રિટેન્ડેન્ટશ્રી વસાવડા, બાળ વિભાગના હેડ વગેરે પદાધિકારીઓ, અધિકારીઓ અને તબીબી સ્ટાફ તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Related posts

Health : જામનગરની જીજી હોસ્પિટલમાં 8 કરોડનું નવું MRI મશીન લોન્ચ કરાયુ.

samaysandeshnews

કચ્છ : ભચાઉ તાલુકાના સામખીયારી ખાતે લોક દરબાર યોજાયો

cradmin

પાતાપુર ગામે કિરીટ પટેલ નું કરાયું અદકેરું સન્માન

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!