રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની રંગારંગ ઉજવણી કરાઈ
શ્રી મેઘાણીએ આપેલ લોકસાહિત્યના અમૂલ્ય વારસાને આવનારી પેઢી પણ સાચવે તેવી અભ્યર્થના વ્યક્ત કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા
લોક સાહિત્ય થકી મેઘાણીજીએ લોક જાગૃતિને પ્રજ્વલિત કરેલી
– સાંસદ શ્રી પૂનમબેન માડમ
જામનગર તા. ૨૮ ઓગસ્ટ, રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, શિક્ષણ વિભાગ તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જામનગર ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે ‘કસુંબીનો રંગ’ કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધીજી બાદ સૌરાષ્ટ્રના પ્રથમ એવા કલમ ધારક કે જેની કલમ થકી લોકોને રાષ્ટ્રને સમર્પિત બનવા લોકજુસ્સાને જગાડ્યો હતો તેવા શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણીના પ્રસંગે અધ્યક્ષ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ કહ્યું હતું કે, ઝવેરચંદ મેઘાણી દ્વારા દરેક વર્ગને સ્પર્શતું સાહિત્યનું સર્જન થયું છે, મેઘાણીએ લખેલ લોકસાહિત્ય આજે પણ જરાય જુનું નથી લાગતું, લોકસાહિત્યના મળેલા આ વારસાને આવનારી પેઢી પણ જાળવી રાખે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન શાળાઓના બાળકો એટલે કે ભવિષ્યની પેઢીને વકતૃત્વ, નિબંધ, કાવ્ય અનેક સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ વારસાની માહિતી આપી તેની જાળવણી કરવામાં સોંપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તો આ તકે જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, મેઘાણીની કૃતિઓએ લોકોને પોતાના મૂળ નજીક લાવ્યા હતા. ડિજિટલ યુગમાં લેખન અને વાંચનથી આપણે દૂર જતા રહ્યા છીએ ત્યારે આ વારસો આવનારી પેઢીને મળે અને એ આ વારસા થકી ગૌરવ પ્રાપ્ત કરે તે માટે આ કાર્યક્રમો નિમિત્ત બનાવવામાં આવ્યા છે. આજની ઉજવણીએ માત્ર મેઘાણીજીની જન્મ જયંતીની નહીં પરંતુ સાચા અર્થમાં આપણી મજબૂત પરંપરાને અને સાહિત્યની ધરોહરની ઉજવણી કરી રહ્યા છીએ. ઝવેરચંદ મેઘાણીએ એ સમયે પણ સ્ત્રીશક્તિનો પરિચય આપતું ચારણકન્યા લખ્યું, તો દીકરી માટે લખેલ હાલરડા દ્વારા સમાજને દિકરી બચાવવા માટે પરોક્ષ રીતે પ્રશિક્ષિત કર્યું હતું. આઝાદીની લડાઈ હોય કે લોકસાહિત્યનો વારસો ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યકર્તા, અનુવાદક, પત્રકાર, વક્તા, કવિ અનેક રૂપે લોકજાગૃતિની મશાલને પ્રજ્વલિત કરી હતી અને આ મશાલના ઉજળા ભૂતકાળને આવનારી પેઢીને આપવાનો આ અવસર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતા. મેઘાણીજીએ ચાર નાટક ગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની રચના કરી હતી. તુલસી ક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે. તેમના સંગ્રામ ગીતોના સંગ્રહે ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા, અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦મા ઝવેરચંદજીને બે વર્ષ માટે જેલમાં પણ રહેવું પડયું હતું. આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ઝેરનો કટોરો કાવ્યની રચના કરી હતી.ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. અનુપ ઠાકરએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જામનગરના ઉત્કૃષ્ઠ કલાકારો અશોકભાઇ પંડ્યા અને તેમના કલાવૃંદએ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી રચિત યાદગાર ગીતોને રજૂ કર્યા હતા.
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫ મી જન્મ જયંતિ નિમિત્તે સરકારી જીલ્લા પુસ્તકાલય જામનગર, લાલપુર, કાલાવડ, જામજોધપુર અને જોડિયાને રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક ગ્રંથાલય ખાતા દ્વારા – કસુંબીનો રંગ – ઉત્સવની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેઘાણીજી દ્વારા રચિત અને સંપાદિત ૮૦ પુસ્તકોના સેટના વિતરણ પૈકી ટોકન સ્વરૂપે ૬ પુસ્તકો વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જામનગરના મેયર શ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી, કમિશનર શ્રી વિજય ખરાડી, અધિક નિવાસી કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા, ડેપ્યુટી કમિશનર શ્રી વસ્તાણી તથા અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ અને બહોળી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.