રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા
- જામનગરના ખિજડીયા પક્ષી અભ્યારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે વન વિભાગ સાથે નયારા એનર્જી સહયોગ કરશે.
- ત્રણ વર્ષ માટે કુલ રૂ.૧૨ કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં જોય ફુલ લર્નિંગ સહિત વાંચન સંસ્કૃતિના વિકાસમાં નયારા એનર્જીનો સહયોગ મળશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ ગાંધીનગરમાં બે MOU સાઇન કર્યા હતા.
નયારા એનર્જીએ વન વિભાગ સાથે જે MOU કર્યો છે તે અનુસાર જામનગર જિલ્લાના ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નયારા એનર્જી નાણાંકીય સહયોગ આપશે.

સમગ્રતયા ત્રણ વર્ષ માટે કુલ ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ અંતર્ગત વેટલેન્ડની (ભીનાશ વાળી જમીન) પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો, સ્થાનિક જૈવવિવિધતામાં સુધારો અને વેટલેન્ડસ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના સંચાલનમાં સ્થાનિક હિસ્સેદારોની ભાગીદારીને પ્રોત્સાહન અપાશે.
એટલું જ નહીં, અભ્યારણ્યના કાર્યક્ષેત્ર એરિયામાં સ્થાનિક સમુદાયોને લાભદાયક એવા જળભૂમિના ઇકોલોજીકલ અને હાઇડ્રોલોજીકલ સ્વાસ્થ્યને સુધારવામાં અને દબાણયુક્ત જૈવવિવિધતા ઘટાડવામાં મદદ મળશે.
આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ઇકો ટુરીઝમને પ્રોત્સાહન, વેટલેન્ડ પુનઃસ્થાપન અને સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને કેપેસિટી બિલ્ડીંગને પણ આવરી લેવામાં આવ્યા છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ખિજડિયા પક્ષી અભયારણ્ય (KRS) અને તેની આસપાસના ભૌગોલિક વિસ્તારોની વૈવિધ્યતાની કારણે આ રામસર (આંતરરાષ્ટ્રીય મહત્વના જળપ્લાવિત વિસ્તાર) સ્થળ પર વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. ૧૮૫ પ્રકાર ના છોડ, ૨૩ પ્રકારના પતંગિયા, ૨૧ પ્રકાર ડ્રેગનફલાય પ્રકારના સરિસૃપ, ૯ પ્રકારની માાછલીઓ અને જીંગાની પ્રજાતિઓ, ૩૨૧ જાતના પક્ષીઓ (જેમાં ૧૨૫ પાણીના અને ૯ સ્તનધારી પ્રજાતિઓનો સમાવેશ થાય છે). ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેયરની જોખમી પ્રજાતિઓની યાદી રેડ લિસ્ટ મુજબના ૨૯ ઉલ્લેખનીય મહત્ત્વ ધરાવતી પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે.
ખિજડિયાનું સ્થાનિક જળવિજ્ઞાનના નિયમનમાં ખિજડીયાની ભૂમિકા તેમજ સ્થાનિક અર્થતંત્ર અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવવામાં મોટું યોગદાન રહેલું છે. વરસાદી અને વહેતા પાણીથી ભૂગર્ભજળને રિચાર્જ કરવામાં આવે છે આનાથી જમીનમાં ખારાશ પ્રવેશ અટકે છે.
આ ખિજડિયા પક્ષી અભયારણ્ય પાંચ ગામો (ઇકો સેન્સિટિવ ઝોન) થી ઘેરાયેલું છે, જેમાં, ખીજડિયા, ધુવાવ, જાંબુડા, સચાણા અને વિભાપર ૧ થી ૩ કિલોમીટરના અંતરે આવેલા ગમોનો સમાવેશ થાય છે.
ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપનના આ પ્રોજેક્ટમાં વન વિભાગ અમલીકરણ એજન્સી તથા નયારા એનર્જી નાણાંકીય અને અન્ય સંસાધન સહયોગી એજન્સી તરીકે કાર્ય કરશે તેમ પણ MOUમાં જણાવવામાં આવ્યું છે.