રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ અંતર્ગત રાજ્યપાલના હસ્તે ૨૫ મી જાન્યુઆરીએ સન્માનિત કરવામાં આવશે
પાટણ જિલ્લા કલેકટરશના સન્માનથી જિલ્લા વહીવટીતંત્ર “ટીમ પાટણ” માં આનંદ છવાયો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આગામી ૨૫ મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧ કલાકે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, અટાલિકા એવન્યુ, નોલેજ કોરીડોર, કોબા, પી.ડી.પી.યુ. રોડ, ગાંધીનગર ખાતે ૧૫મો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ યોજાનાર છે. જેમાં રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારીની તરીકે પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન પસંદગી પામ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે આ એવોર્ડ કલેકટર અરવિંદ વિજયનને અર્પણ કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ પાટણ જિલ્લા કલેકટરના સન્માનથી જિલ્લા વહીવટીતંત્ર “ટીમ પાટણ” માં આનંદ નો માહોલ છવાઇ જવા પામ્યો છે.

રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ અંતર્ગત બેસ્ટ ઈલેક્ટોરલ પ્રેક્ટીસીસ એવોર્ડ – ૨૦૨૪ અન્વયે જુદી-જુદી કેટેગરીઓમાં રાજ્યના તમામ જિલ્લા તરફથી નોમિનેશન મોકલવામાં આવ્યાં હતાં. રાજ્યકક્ષાની એવોર્ડ સિલેક્શન કમિટી દ્વારા સર્વે જિલ્લાઓ તરફથી મળેલ નોમિનેશન પૈકી રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારીની કેટેગરીમાં પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન ની પસંદગી કરવામાં આવેલ છે.

જિલ્લા કલેકટર અરવિંદ વિજયને આ બદલ એવોર્ડ સંદર્ભે ખુશી સાથે જણાવતાં આ એવોર્ડ જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર “ટીમ પાટણ” ને અર્પણ કર્યો હતો. ૨૫ જાન્યુઆરી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત દેશભરમાં મતદાન જાગૃતિ અંગેના વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે.