બ્રાસ ઉદ્યોગે જામનગરને વૈશ્વિક સ્તરે ખ્યાતી અપાવી છે ત્યારે આ ઉદ્યોગને તમામ રીતે મદદરૂપ થવાની તત્પરતા દર્શાવતા મંત્રીશ્રી
જામનગર તા.૦૯ ઓક્ટોબર, જી.આઇ.ડી.સી. દરેડ ખાતે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ એસોસિએશનના હોદ્દેદારોની બેઠક મળી હતી.જી.આઇ.ડી.સી. ફેઝ-૨ તથા લઘુભારતી ઉદ્યોગના સયુંકત કારોબારી સભ્યો તથા અન્ય ઉદ્યોગપતિઓ સાથે મંત્રીશ્રીએ શુભેચ્છા મુલાકાત કરી ચર્ચા વિમર્શ કર્યો હતો.
મંત્રીશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે જામનગર બ્રાસ સીટી તરીકે ઓળખાય છે. જે ઉદ્યોગે જામનગરને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે તેમજ અનેક લોકોને રોજગારી પુરી પાડી છે. ત્યારે આ ઉદ્યોગો હજુ વધુ વિકસિત થાય તે માટે ઉદ્યોગકારોને વધુમાં વધુ ઉપયોગી થવાની સરકારની ભાવના રહેલી છે.
મંત્રીશ્રીએ બેઠકમાં જી.આઇ.ડી.સી. એસોસિએશન દ્વારા રજૂ કરેલ પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પરત્વે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. બેઠકમાં જી.આઇ.ડી.સી. એસોસિએશન દ્વારા વિજ સુવિધા, રોડ-રસ્તા, રહેણાંક ઝોનનું ઔદ્યોગિક ઝોનમાં રૂપાંતર, સર્વિસ રોડ, ઓવરબ્રિજ સહિતના પ્રશ્ને રજુઆત કરી હતી. જે તમામ પ્રશ્નોનું વહેલાસર યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં શ્રી દિનેશભાઈ ડાંગરીયા, રાજુભાઇ ચાંગાણી સહિતના સંસ્થાના હોદેદારો તથા ઉદ્યોગપતિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.