- જૂનાગઢ ખાતે નાણામંત્રીના હસ્તે
- પ્રધાનમંત્રી ઉજજ્વલા યોજના ૨.૦ હેઠળ ગેસ કીટનું વિતરણ
- જૂનાગઢ જિલ્લામાં કુલ ૩૪૦૦ લોકોને પ્રધાનમંત્રી ઉજજ્વલા યોજના ગેસ કીટનું વિતરણ
જૂનાગઢ,તા.૧૭ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસ નિમિત્તે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ હેઠળ જૂનાગઢ સ્થિત ટાઉનહોલ ખાતે નવ નિયુકત નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.જયારે સમગ્ર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના આજે ૩૪૦૦ જેટલા લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશના વિકાસની રફ્તાર વધુ તેજ થઇ છે. નાણામંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રી દ્વારા લેવાયેલ જનહિતલક્ષી નિર્યણો, યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાચા અર્થમાં મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબીત થઇ છે. આ યોજના હેઠળ ગેસના ફ્રી કનેક્શનથી મહિલાઓના આરોગ્યને નુકશાન થતું અટકશે સાથે જ પર્યાવરણને પણ ફાયદો થશે. વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં આ યોજના હેઠળ ૭ કરોડ અને ગુજરાતમાં ૩૦ લાખ નિશુલ્ક ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ કોવિડના કારણે માતા કે પિતા કે એક વાલી ગુમાવેલ હોય તેને મંજૂરી પત્ર, તેમજ જે ગામમાં ૧૦૦ ટકા કોવિડ વેક્સીનેશન થયેલ હોય તેવી ગ્રામપંચાયતોના સરપંચોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા, જિલ્લા સહકારી બેન્કના ચેરમેનશ્રી ડોલરભાઇ કોટેચા, કલેક્ટરશ્રી રચિત રાજ, કમિશનરશ્રી આર.એમ.તન્ના, ડીડીઓશ્રી મીરાંત પરીખ, ડેપ્યુટી મેયરશ્રી હિમાંશુ પંડ્યા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રી રાકેશભાઇ ધુલેશીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા, હસ્તે લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નીલેશ ગોવાણી અને આભારવિધિ ડીએમસી શ્રી જયેશ લિખિયાએ કરી હતી. સહકારી બેંકના એમડીશ્રી દિનેશભાઈ ખટારીયા, ગીરીશભાઇ કોટેચા, શૈલેષભાઇ દવે, અગ્રણી જયોતિબેન વાછાણી, આરતીબેન જોષી, આધશકિતબેન મજમુદાર, સહિતના ઉપસ્થિત રહયા હતા.