જૂનાગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની આગળ ધપાવવા અધિકારીઓને કર્મચારીઓને આહ્વાન કરતા રાજયપાલશ્રી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે રાજ્યના કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું.

જૂનાગઢ:  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ અને રાજકોટ વિભાગના ૧૦ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામ સેવક, વિસ્તરણ અને બાગાયત અધિકારી સહિતના લોકોને પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી લઈ જવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

જૂનાગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની આગળ ધપાવવા અધિકારીઓને કર્મચારીઓને આહ્વાન કરતા રાજયપાલશ્રી
જૂનાગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની આગળ ધપાવવા અધિકારીઓને કર્મચારીઓને આહ્વાન કરતા રાજયપાલશ્રી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે રાજ્યના કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું.

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની તેને આગળ ધપાવવા માટે પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારીઓને-કર્મચારીઓને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ લોકોના જીવન બચાવવા માટેનું પુણ્ય કર્મ છે. પ્રાકૃતિક કૃષિના માધ્યમથી જ જનઆરોગ્ય, પ્રકૃતિ અને પર્યાવરણને બચાવી શકીશું.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિની સરળ વ્યાખ્યા કરતાં જણાવ્યું કે, જંગલમાં હજારો વૃક્ષો હોય છે. તેમાં યુરિયા, ડીએપી, જંતુનાશક દવા ન નાખવા છતાં જંગલના કોઈપણ પાંદડામાં એક પણ પોષક તત્વોની કમી હોતી નથી. જે ફળદ્રુપતાનો નિયમ જંગલમાં કામ કરે, પ્રકૃતિનો જે નિયમ જંગલમાં કામ કરે છે તે જ નિયમ આપણા ખેતરમાં પણ કામ કરે એનું નામ પ્રાકૃતિક ખેતી. તેમણે પ્રાકૃતિક કૃષિને એક શ્રેષ્ઠ કાર્ય ગણાવતા કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી પ્રકૃતિની રક્ષા થાય છે, સાથે જ પાણી દૂષિત થતું અટકે છે અને લોકોના જીવન બચે છે. આમ, ઈશ્વરની વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ પરમાત્માની પ્રાર્થના છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે નુકસાનકારક છે. આજે બાળકોને હાર્ટ અટેક આવવા ઉપરાંત ડાયાબિટીસ, કેન્સર જેવા ગંભીર રોગોનું મુખ્ય કારણ ઝેરયુક્ત આહાર છે. ત્યારે આ બિમારીઓથી બચવાનું એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવામાં સહયોગી બનવું તેને પણ ઈશ્વરીય કાર્ય ગણાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીનો ભેદ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં મહેનત અને ખર્ચ ઓછો થાય છે, સાથે જ ઉત્પાદન પણ પૂરું મળે છે. ત્યારે જૈવિક ખેતીમાં ખર્ચ પણ વધુ લાગે છે અને તેના માટે જોઈતું પશુધન પણ ખેડૂતોને પરવડે તેમ નથી. આજે દાયકાઓ બાદ પણ જૈવિક ખેતી કૃષિનું કોઈ સર્વ સ્વીકાર્ય મોડલ આપી શક્યું નથી, અને તેથી જ જૈવિક ખેતી લોકપ્રિય પણ બની નથી. પ્રાકૃતિક કૃષિમાં ગાય, ગોળ અને દાળની જરૂરિયાત રહે છે, તેનો ખર્ચ પણ ખૂબ સામાન્ય હોય છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિથી જ જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે.

રાસાયણિક ખેતી માનવ જીવનની સાથે બાળકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર કરી રહી છે, લોકોના આહારની અસર તેમના જીવન પર પડતી હોય છે, તેથી જ સામાન્ય બાબતોમાં લોકોમાં આક્રમકતા પણ જોવા મળે છે. ત્યારે ઈશ્વરીય વ્યવસ્થાનો સહયોગ કરીને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી પ્રકૃતિ, પર્યાવરણ અને પાણીને દૂષિત થતા બચાવીએ.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારી-કર્મચારીઓને સંબોધીને પ્રાકૃતિક કૃષિના મિશન માટે કામ કરવું ભાગ્યશાળી હોવાનું ગણાવતાં કહ્યું કે, પ્રાકૃતિક કૃષિના માધ્યમથી ૧૦ લોકોને પણ કેન્સર વગેરે જેવી ગંભીર બીમારીથી બચાવવામાં સફળ થઈશું તે પણ એક કર્તવ્યપાલન ગણાશે. ઉપરાંત પ્રાકૃતિક કૃષિથી માનવ જીવનની સાથે ધરતી, પ્રકૃતિ, પશુ-પક્ષી સૌ કોઈના જીવનનું રક્ષણ થઈ શકશે. રાજ્યપાલએ કહ્યું કે, ભારતની વૈદિક સંસ્કૃતિ, વેદ શાસ્ત્રો, ગીતા, ઉપનિષદ એ દરેકમાં કર્મના સિદ્ધાંતની વ્યાપક પણે ચર્ચા છે. તેમણે ઈશ્વરના ઉપદેશને અનુસરવાનો પણ અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ રાસાયણિક ખેતી માનવજીવન અને પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે છે તેનો પણ દ્રષ્ટાંતસહ ઉલ્લેખ કર્યો હતો.

રાજ્યપાલએ સંબોધન પૂર્ણ કર્યા બાદ પ્રકૃતિક કૃષિના પ્રથમ હરોળના સૈનિક રૂપ અધિકારીઓ- કર્મચારીઓ વચ્ચે જઈને અભિવાદન કર્યું હતું અને પ્રાકૃતિક કૃષિના મિશનને નવા જોમ, જુસ્સા અને ઉર્જા સાથે આગળ વધારવા પ્રેરિત કર્યા હતાં.

આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટીયાએ પ્રાસંગિક સંબોધન કરતાં જણાવ્યું કે, જૂનાગઢ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ઢબે થયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે, દેશી ગાયના છાણમાં ખૂબ મોટી માત્રામાં સૂક્ષ્મ જીવાણું છે, તેથી જ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના પાલનપોષણ માટે ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે તેમણે પ્રાકૃતિક કૃષિમાં કપાસ સાથે મગફળી, શેરડી સાથે ધાણા, ઘઉં સાથે ચણા વગેરે મિશ્ર પાકોના વાવેતરથી ઉત્પાદનમાં વધારો થતો હોવાનું પણ સિદ્ધ થયું છે તેમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર એસ. કે. જોશીએ શાબ્દિક સ્વાગત કરતાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદની પૂર્વ ભૂમિકા આપી હતી. અંતમાં સંયુક્ત ખેતી નિયામક એમ.એમ. કાસુન્દ્રાએ આભાર વિધિ કરી હતી. રાષ્ટ્રગાનના સાથે આ સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પી.એ. જાડેજા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક બી. એન. જાદવ, આત્મા પ્રોજેક્ટ જૂનાગઢના ડાયરેક્ટર શ્રી દિપક રાઠોડ ઉપરાંત ૧૦ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારીઓ, કૃષિ સખી, કોમ્યુનિટી રિસોર્સ પર્સન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

cradmin
Author: cradmin

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ