વિક્રમને આરોપી દેવરાજની પત્ની સાથે આડાસબંધ હોવાની શંકાએ ગાડીમાં બેસાડી વડલી ચોકમાં માતાજીના મઢ પાસે લઈ આવી ગરમ તેલમાં હાથ નખાવ્યા:યુવકને સિવિલમાં ખસેડયો
જેતપુરમાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે.સત્યના પારખા કરાવવા યુવાનને બે મહિલા સહિત ચાર શખ્સો દ્વારા ગાડીમાં ઉઠાવી જઇ વડલી ચોકમાં માતાજીના મઢે ગરમ ઉકળતા તેલમાં યુવાનના હાથ નખાવતા ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,જેતપુરના સરદાર ચોક માહી એપાર્ટમેન્ટમાં રહેતા વિક્રમ બાવજીભાઈ જાદવ(કોળી)(ઉ.વ.30)નામના યુવાનને ગઈકાલે સવારે પોતાના ઘર પાસે હતા ત્યારે ગામના દેવરાજ ડાભી,ભાનુબેન મકવાણા,સાઢું ભાવેશ મકવાણા અને ભાણેજ રોહિત મકવાણા એમ તમામ ગાડી લઈને આવ્યા હતા અને વિક્રમને ગાડીમાં બેસાડીને વડલી ચોકમાં આવેલા માતાજીના મઢમાં લઇ જઇ ત્યાં ગરમ તેલમાં હાથ નખાવ્યા હતા.
જેથી વિક્રમ દાઝી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિક્રમને સંતાનમાં એક પુત્રી છે.પોતે બે ભાઈ ચાર બહેનમાં નાનો છે.પોતે મજૂરી કામ કરે છે.વિક્રમેં જણાવ્યું હતું કે,દેવરાજને શંકા હતી કે મારે તેની પત્ની સાથે સબંધ છે.તેમ છ મહિના પહેલા મારા ગળે છરી રાખી તને મારી નાખવો છે.તેમ કહી ધોકા પાઇપ વડે મારમાર્યો હતો તેમજ ગઈકાલે મને કહ્યું હતું કે જો તારે સબંધ નહીં હોય અને તું સાચો હોઇશ તો ગરમ તેલમાં હાથ નાખ જેથી તેઓએ હાથ નાખ્યા હતા.આ અંગે હાલ જેતપુર પોલીસ તપાસ ચલાવી રહી છે.