ભોજાધાર વિસ્તારનો બનાવ, કોઇ કારખાનેદારની મીલીભગતનો ભોગ બન્યા મુંગા પશુ
જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાં કોઈ કારખાનેદારે જલદ અને કેમિકલ યુક્ત પ્રવાહી ખાડાઓમાં છોડી દેતા અને તેમાં કેટલાક ગૌવંશ પાણી સમજી અંદર ચાલતા પાંચ થી છ જેટલા ગૌવંશના પગના હાડકાં ઓગળી ગયા હતા. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી.
શહેરના ભોજાધાર વિસ્તારમાં કોઈ કારખાનેદારે કોઈ જગ્યાએ ખાડામાં જલદ અને કેમિકલ યુક્ત પ્રવાહી છોડી દીધું અને આ પ્રવાહીને પાણી સમજી કેટલાક ગૌવંશ તેમજ અન્ય પ્રાણીઓ તેમાં ચાલતા તેમજ આળોટતા પાંચથી છ જેટલા ગૌવંશના પગની ઉપરની ચામડી, માંસ ઓગળી હાડકાં ઓગળવા સુધીના ઘા પડી ગયા હતા.
આ બાબતની જાણ થતાં ગૌ સેવક અભય પરમારે બનાવ સ્થળે પહોંચી પ્રાણીઓની એમ્બ્યુલન્સ મંગાવી હતી અને ગૌવંશની સારવાર શરૂ કરાઇ હતી તેમજ ગૌશાળામાં ખસેડવામાં આવ્યા હતા. ગૌવંશ ઉપરાંત એક ગલુડિયાને પણ ઇજા પહોંચી હતી. સ્થાનિક રહીશ ભીખુભાઈએ જણાવેલ કે, વર્ષમાં આ ત્રીજો બનાવ છે જેમાં ગૌવંશને કેમિકલ યુક્ત પ્રવાહીથી આવી ગંભીર ઇજાઓ પહોંચી હોય.
આ વિસ્તારમાં કોઈ સ્થળે ખાડો અથવા ગટરમાં કોઈ કારખાનેદાર દ્વારા આવું જલદ પ્રવાહી છોડવામાં આવે છે. આ બાબતની ગંભીર નોંધ લઇ પાલિકાએ આવી હરકત કરનારા કારખાનેદાર સામે પગલાં લેવા જોઇએ તેવી માગણી ઉઠી છે.