જેતપુરમાં 178 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ: અન્ય એક શખ્સનું નામ ખુલ્યુપોલીસે 2.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: અન્ય એક શખ્સ ની શોધખોળ જેતપુરના ધોરાજી રોડ પર વિદેશી દારૂની 178 બોટલના જથ્થા સાથે આનંદ ઉર્ફે કૌશલ ભરતભાઇ હિરાણી નામના શખ્સને દબોચી લઇ પોલીસે ર.પ૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર જેતપુરના પી.આઇ. જે.બી.કરમુરના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફનો પોલીસ કાફલો શહેરના ધોરાજી રોડ પર પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન શહેરના ધોરાજી રોડ પરના ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ(બ્લોક નં. 9/બી)માં રહેતો આનંદ ઉર્ફે કૌશલ ભરતભાઇ હિરાણી એકટીવા સાથે શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળતા તેને અટકાવી પોલીસે પુછપરછ કરતા આ શખ્સે એકટીવાની ડેકીમાંથી વિદેશી દારૂની બે બોટલ કાઢી આપી હતી.
ત્યારબાદ પોલીસે આ શખ્સની પોલો કારની તલાસી લેતા તેની ડેકીમાંથી વિદેશી દારૂની 176 બોટલ મળી આવી હતી આમ આ દરોડામાં 178 બોટલ વિદેશી દારૂ, એકટીવા મોપેડ, પોલો કાર અને એપલનો મોબાઇલ સહિત કુલ રૂા. 2.54 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. આ શખ્સની પોલીસે કરેલ પુછપરછ દરમ્યાન તેને આ દારૂનો જથ્થો મોસીન મોહમદ કુરેશી નામના શખ્સનો હોવાનું જણાવતા આ શખ્સની ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.