જેતપુર અનુ.જાતિ સમાજ અને કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે બાબાસાહેબની જન્મજયંતી તેમજ અન્ય દિવસોમાં મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકામાંથી પોતાનો ભાવ પ્રગટ કરવા એકઠા થતા હોય છે. ત્યારે સરદાર ગાર્ડન પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરિસરમાં જગ્યાના અભાવના કારણે ભારે ગિરદીના દ્રશ્યો સર્જાતા હોય છે. તેમજ પ્રતિમા સુધી જવાની સીડી પણ એક જ હોવાથી ચડવા ઉતારવા માટે મુશ્કેલી પડતી હોય છે અને કોઈ અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે.
જેને લઈને જેતપુરના દલિત સમાજ દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેતપુર-નવાગઢ નગરપાલિકામાં આપવામાં આવ્યું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પરિસરની જગ્યા વધારવામાં આવે તેમજ પ્રતિમા સુધી જવા માટેની ચડવા અને ઉતરવાની અલગ-અલગ સીડી મુકવામાં આવે. દલિત સમાજના વ્યક્તિઓ દ્વારા જણાવવામાં આવેલ હતું કે આ પહેલા પણ માર્ચ-2021 માં પણ ઉપર મુજબની માંગ જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ મુકવામાં આવી હતી.
પરંતુ તેનું એક વર્ષ ઉપર સમય થઈ ગયો હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા ફરી એકવાર આવેદનપત્ર જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશોને આપવામાં આવ્યું હતું. દલિત સમાજના આગેવાનોનું ખાસ એવું પણ માનવું હતું કે હાલ સરદાર ગાર્ડનનું લાખો રૂપિયાના ખર્ચે જ્યારે રીનોવેશનની કામગીરી ચાલતી હોય ત્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પરિસરમાં પણ જો થોડો ખર્ચો કરવામાં આવે તો શહેરની શોભામાં પણ વધારો થઈ શકે એમ છે.