મહંતની ઓળખ કર્યા બાદ સીસીટીવી ચકાસતા આરોપી જયેશ દવેની સ્વીફટ કાર તેમાં નજરે પડતા મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો.
જેતપુરમાં તા.૦૪/૦૩/૨૦૨૨ ના રોજ કેનાલમાંથી એક સાધુ જેવા દેખાતા અજાણ્યા આશરે 55 વર્ષના આધેડની તરતી લાશ મળી હતી. જેમાં મૃતદેહના હાથ પગ બાંધેલી હાલતમાં હોવાથી આ સાધુની હત્યા કરાઇ હોવાની શંકા હતા ત્યારે રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે ગુનાના મુળ સુધી જઇ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને સુલતાનપુરના ચાર શખ્સોની ધરપકડ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગત તા.ના રોજ જેતપુરના દાસીજીવણપરા પાસે આવેલી કેનાલમાંથી સાધુની લાશ મળતા પોલીસ દોડી ગઇ હતી અને નગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાંથી મૃતદેહ બહાર કઢાયો હતો. જે બાદ આ સાધુની ઓળખ કરવા પોલીસે તપાસ કરતા તેમનું નામ રૂદ્રાનંદગીરી હોવાનું તેમના શિષ્ય કિશોર દેવરાજભાઇ નારોદાએ જણાવ્યું હતું. જે બાદ જેતપુર સીટી પોલીસ મથકે આઇપીસી કલમ 302, 201 મુજબ અજાણ્યા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
રાજકોટ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ખસેડાયેલા સાધુના મૃતદેહનું પીએમ થતા ખુલાસો થયો હતો કે તેમને ગળેટુંપો આપી હત્યા નિપજાવવામાં આવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ તપાસ રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.આર.ગોહિલને સોંપવામાં આવી હતી.
એલસીબીના પીએસઆઇ એસ.જે.રાણા સહિતની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ચક્રોગતિમાન કર્યા હતા જેમાં સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમાં એક શંકાસ્પદ સફેદ કલરની સ્વીફટ કાર જેનો નં. જીજે 24 એએ 0363 હોવાનું જણાતા આ કાર જયેશ ગૌરીશંકર દવે (રહે. હાલ રાજકોટ ગોપાલનગર, મુળ સુલતાનપુર, તા. ગોંડલ) હોવાની માહિતી મળી હતી. જેથી જયેશને ઉઠાવી લઇ પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો.
ક્રાઇમ બ્રાંચે જયેશ ઉપરાંત દર્શક ઉર્ફે દર્શન રતિલાલ દેગામા (કોળી) (ઉ.વ.24), દિનેશ છગન ભાદાણી (પટેલ) (ઉ.વ.42) અને વિજય ઉર્ફે કાળુ પરસોતમ વઘાસીયા (પટેલ) (ઉ.વ.34) (રહે. ત્રણેય સુલતાનપુર)ને ઝડપી લઇ પુછપરછ કરતા આરોપીઓએ કબુલાત આપી હતી કે વિજયને હૃદયની બીમારી હોય તેણે આર્યુવેદિક દવા લેવા માટે રૂદ્રાનંદગીરી બાપુનો સંપર્ક કરેલો તેમાં બાપુ સાથે પરિચયમાં આવી જતા સાધુને શેરબજારમાં રોકાણ કરવા વિજયે જણાવ્યું હતું જેથી સાધુએ વિજયને રૂા. 2.50 લાખ આપ્યા હતા. જેમાંથી વિજયે માત્ર પ0 હજાર જ સાધુને પરત કર્યા હતા બીજા બે લાખની સાધુએ ઉઘરાણી શરૂ કરી હતી.
આ તરફ જયેશ પણ અવારનવાર આશ્રમે જતો હોવાથી તે સંપર્કમાં આવ્યા બાદ સાધુ સાથે પૈસાની લેતી દેતીમાં બોલાચાલી કરતો હતો. એક વખત સાધુએ જયેશને અપમાનિત કરી આશ્રમની બહાર કાઢી મુકયો હતો. આ તમામ બાબતોનો ખાર રાખી આરોપીઓએ સાધુની હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું છે.