અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લોકો દેશ છોડીને જવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. સોમવારે આકાશમાં ઊડતા વિમાનમાંથી 3 લોકો નીચે નીચે પટકાયા હતા. આ ત્રણેય લોકોનાં મોત થયાં હતાં. આ લશ્કરી વિમાન હતું અને માહિતી અનુસાર, આ લોકો વિમાનના ટાયર પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા.
કાબુલમાં વિમાનમાંથી લોકો નીચે પડતાં દેખાઈ રહ્યાનું ભયાનક દૃશ્ય સામે આવ્યું કાબુલ શહેર ઉપરથી ઉડતા વિમાનમાંથી પડતાં લોકોનો વીડિયો સામે આવ્યો છે. તેમાં એક બાદ એક લોકો વિમાનમાંથી નીચે પડી રહ્યા નજરે પડે છે. સ્થાનિક લોકોએ કહ્યું કે દેશ છોડી દેવા માટે લોકો સૈન્ય વિમાનના ટાયર પર લટકી ગયા હતા. કાબુલ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા બાદ વિમાન હવામાં પહોંચતાની સાથે જ આ લોકો એક પછી એક નીચે પડવા લાગ્યા હતા. શહેરના લોકોએ તેમને નીચે પડતાં જોયા હતા, પરંતુ હજુ સુધી તેમની ઓળખ થઈ શકી નથી.
એરપોર્ટ પર ભાગદોડનું વાતાવરણ, ફાયરિંગમાં પાંચનાં મોત
અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં એરપોર્ટ અમેરિકન સૈનિકોના નિયંત્રણ હેઠળ છે. રોઇટર્સ અનુસાર, એરપોર્ટ પર થયેલા ફાયરિંગમાં પાંચ લોકોનાં મોત થયાં છે અને ઘણા ઘાયલ થયા છે.