ધંધુકા હત્યા કેસમાં કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે મૌલાના સહિતના આરોપી રિમાન્ડ પર છે. તેમાં ઐયુબ, શબ્બીર, ઈમ્તિયાઝ 5 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર છે. તેમજ કમર ગની, અઝીમ સમા 7 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર રહેશે.
- કોર્ટે 7 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા
ઉલ્લેખનિય છે કે ધંધુકા હત્યા પ્રકરણમાં અત્યારસુધી 2 મૌલાના સહિત 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં મૌલાના મહમ્મદ ઐયુબ જાવરાવાલા અને ફાયરીંગ કરનાર આરોપી શબ્બીર ચોપડા અને હત્યામાં સાથ આપનાર ઈમ્તિયાઝ પઠાણ જેઓને આગામી તારીખ 5 સુધી કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરાયા છે. તથા અન્ય દિલ્હીથી ઝડપાયેલા આરોપી મૌલાના કમર ગની ઉસ્માની અને રાજકોટથી ઝડપાયેલ અઝીમ સમા તેઓને પણ કોર્ટે ગઈકાલે 7 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
- આજે સાધુ સંતો પણ પરિવારની મુલાકાત લેશે
સમગ્ર મામલે સામાજિક અને રાજકીય સંગઠનો દ્વારા પરિવારની સાંત્વના મુલાકાત સાથે આજે સાધુ સંતો પણ પરિવારની મુલાકાત લેશે. ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. આ કેસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા બાદ મામલો ગંભીર બન્યો છે. જેના પગલે સરકાર દ્વારા સમગ્ર કેસની તપાસ ATSને સોંપવામાં આવી છે. જે બાદ ગણતરીના કલાકોમાં દિલ્હીથી મૌલવી કમરગની ઉસ્માનીની ધરપકડ કરીને પૂછપરછ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
- યુવાઓનું બ્રેઈનવૉશ કરીને તેમને કટ્ટરવાદી બનાવે છે
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, કટ્ટરવાદી મૌલાના કમરગની ઉસ્માની પાકિસ્તાનના કરાંચીમાં આવેલા હેડ ક્વાર્ટર દાવત-એ-ઈસ્લામી નામના સંગઠન સાથે સંકળાયેલો છે. આ સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઈસ્લામિક એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટ ચલાવી રહી છે. આ એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટની આડમાં યુવાઓનું બ્રેઈનવૉશ કરીને તેમને કટ્ટરવાદી અને હિંસક બનાવવામાં આવી રહ્યાં છે.
- કમલેશ તિવારીની હત્યા કેસમાં પણ મૌલવીની પૂછપરછ
મૌલવી કમરગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે. આટલું જ નહીં, મૌલાના ગઝવા-એ-હિન્દ નામના ભારત વિરોધી પાકિસ્તાની એજન્ડા માટે કામ કરી રહ્યો છે. પાકિસ્તાનના કેટલાક આતંકવાદીઓ સાથે પણ મૌલાનાની સંડવણી હોવાનું ખુલ્યું છે. અગાઉ ત્રિપુરામાં થયેલી હિંસક અથડામણમાં મૌલાના કમરગની ઉસ્માનીની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. કમલેશ તિવારીની હત્યા કેસમાં પણ મૌલવીની પૂછપરછ કરવામાં આવશે.