Latest News
ઈમેલથી બોમ્બની ધમકીથી જામનગરમાં ખળભળાટ: ચાંદી બજાર સ્થિત મેન પોસ્ટ ઓફિસ ખાતે પોલીસ-બોમ્બ સ્ક્વોડ તૈનાત. બજારમાં સાવચેતીનો માહોલ: સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટ તૂટી ૮૨,૦૦૦ નીચે, નિફ્ટી ૨૫,૪૦૦ નજીક; મેટલ-ઓટોમાં વેચવાલી, આઈટીમાં આશાની કિરણ. અધર્મ ઉપર ધર્મની જીતનો વિશ્વવિખ્યાત ઉત્સવ: જામનગરમાં ભોઈ સમાજ બનાવશે ૨૫ ફૂટથી ઊંચું હોલિકાનું ભવ્ય પૂતળું. માનવતાનો મિસાલ: જામનગર–લાલપુર બસમાં પડેલો મોબાઇલ ટીસી અને કંડકટરની સતર્કતાથી મુસાફરને પરત. ગોપ ગામે એલ.સી.બી.નો દરોડો: ૨.૭૨ લાખના ઇંગ્લિશ દારૂ સાથે કલ્પેશ ઉર્ફે કલો કારેણા ઝડપાયો. જામનગરમાં અંબાણી મુકામે તેંડુલકર પરિવારનો પ્રિ-વેડિંગ જશ્ન: અર્જુન–સાનિયા લગ્ન પહેલાં ભાવુક ક્ષણો, દેશભરના દિગ્ગજોની નજર.

ધાર્મિક મહત્વ ધરાવતું ભેડાપીપળિયા ગામ વિકાસથી વંચિત?.

કોમ્યુનિટી હોલ અને ધોરણ-૮ સુધીની શાળાના અભાવે ગ્રામજનોની વ્યથા**

જેતપુર :
જેતપુર શહેરથી માત્ર 12 કિમીના અંતરે, જેતપુર–બગસરા રોડ ઉપર આવેલું ભેડાપીપળિયા ગામ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સમગ્ર પંથકમાં વિશેષ ઓળખ ધરાવે છે. આશરે એક હજારની વસ્તી ધરાવતું આ નાનકડું ગામ બે વિશાળ અને પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળોના કારણે વર્ષભર ભાવિકોની અવરજવરથી જીવંત રહે છે. પરંતુ આટલું મોટું ધાર્મિક મહત્વ હોવા છતાં ગામ આજે પણ કેટલીક મૂળભૂત સુવિધાઓના અભાવે પીડાય છે. ખાસ કરીને કોમ્યુનિટી હોલનો અભાવ અને ધોરણ-૮ સુધીની પ્રાથમિક શાળા ન હોવી ગ્રામજનો માટે મોટો પ્રશ્ન બની ગયો છે.

ઉગમ પંથનું વિશાળ આશ્રમ – શ્રદ્ધાનું કેન્દ્ર

ભેડાપીપળિયા ગામમાં ઉગમ પંથની વિશાળ જગ્યા પર આવેલ દેવરામ બાપાનો આશ્રમ સમગ્ર પંથકમાં અત્યંત લોકપ્રિય અને શ્રદ્ધાસ્પદ સ્થળ છે. અહીં દર બીજે દિવસે હજારો ભાવિકો ઉમટી પડે છે. આશ્રમ ખાતે નિયમિત રીતે ધૂમાડા બંધ પ્રસાદ, ભજન-સંતવાણી અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં માત્ર ભેડાપીપળિયા નહીં પરંતુ આસપાસના અનેક ગામો અને જેતપુર શહેરમાંથી પણ ભાવિકો મોટી સંખ્યામાં હાજરી આપે છે.

આ આશ્રમ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ સામાજિક એકતા અને માનવતાનું પ્રતિક બની રહ્યું છે. અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અહીંથી સહાય મળે છે.

આણંદબાપાનો આશ્રમ – લોકસંસ્કૃતિનો જીવંત વારસો

ભેડાપીપળિયા ગામની બીજી વિશેષતા એટલે હાલારી વાળંદ સમાજના જોટંગીયા પરિવારનું સુરપુરા આણંદબાપાનું આશ્રમ. દર વર્ષે આણંદબાપાની તિથિએ અહીં ભવ્ય ઉજવણી થાય છે. આ પ્રસંગે સમગ્ર ગામને ધૂમાડા બંધ જમાડવામાં આવે છે અને નામી કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવે છે.

આ કાર્યક્રમ માત્ર ધાર્મિક નહીં પરંતુ લોકસંસ્કૃતિ અને ગ્રામ્ય એકતાનો મહાન ઉત્સવ બની જાય છે. આણંદબાપા આશ્રમના ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ જોટંગીયા દ્વારા ગામમાં કોઈ પણ સુખદ કે દુઃખદ પ્રસંગે આશ્રમની જગ્યા નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે સમાજ માટે પ્રશંસનીય ઉદાહરણ છે.

મૂળભૂત સુવિધાઓમાં ગામ મજબૂત, પણ પૂરતું નથી

ગામના સરપંચ કૈલાશબેન મહેશભાઈ જોશી જણાવે છે કે ભેડાપીપળિયા ગામમાં મોટા ભાગે પાકા રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટની સુવિધા અને એકાંતરે 45 મિનિટ નર્મદાનું પાણી વિતરણ જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. ગ્રામ પંચાયત દ્વારા શક્ય તેટલી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

ગામની સાક્ષરતા પણ આશરે 75 ટકા જેટલી છે, જે ગ્રામ્ય વિસ્તારમાં સરાહનીય ગણાય. પરંતુ શિક્ષણની આગળની સગવડોના અભાવે આ સાક્ષરતાનો દર વધતો અટકી રહ્યો છે.

ધોરણ-૫ પછી વિદ્યાર્થીઓને ગામ છોડવું પડે છે

ભેડાપીપળિયા ગામમાં હાલમાં માત્ર ધોરણ-૧ થી ૫ સુધીની સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે. ધોરણ-૫ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવા માટે બાજુના દેવકીગાલોર ગામ અથવા જેતપુર શહેર જવું પડે છે.

નાનાં બાળકો માટે રોજિંદો લાંબો પ્રવાસ જોખમી અને ખર્ચાળ બનતો હોવાથી ઘણા માતા-પિતા બાળકોને આગળ અભ્યાસ કરાવવા અચકાય છે. પરિણામે ખાસ કરીને દીકરીઓનું શિક્ષણ અધવચ્ચે જ બંધ થતું હોવાનું ગ્રામજનો ખુલ્લેઆમ કહે છે.

ગ્રામજનોની એકમાત્ર માંગ છે કે ગામમાં ધોરણ-૮ સુધીની પ્રાથમિક શાળા મંજૂર કરવામાં આવે, જેથી બાળકોને ગામમાં જ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી રહે.

કોમ્યુનિટી હોલ ન હોવાથી સામાજિક મુશ્કેલીઓ

આટલું ધાર્મિક મહત્વ હોવા છતાં ભેડાપીપળિયા ગામમાં સરકારી કે ગ્રામ પંચાયત સંચાલિત કોમ્યુનિટી હોલ નથી. કોઈ લગ્નપ્રસંગ, સામૂહિક કાર્યક્રમ, શોકસભા કે જાહેર બેઠક માટે ગ્રામજનોને આશ્રમ પર નિર્ભર રહેવું પડે છે.

આશ્રમ તરફથી જગ્યા મળતી હોવા છતાં દરેક વખતે ત્યાં વ્યવસ્થા શક્ય ન હોવાથી ગ્રામજનોને મુશ્કેલી પડે છે. ખાસ કરીને ગરીબ પરિવારો માટે આ મોટો પ્રશ્ન બની ગયો છે.

પ્રશાસન તરફ આશાભરી નજર

ભેડાપીપળિયા ગામના લોકો હવે સરકાર અને સંબંધિત વિભાગો તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. ધાર્મિક મહત્વ, સામાજિક એકતા અને વિકાસની ક્ષમતાઓ હોવા છતાં ગામ જો આજે પણ શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે, તો તે ચિંતાજનક બાબત છે.

ગ્રામજનોનું માનવું છે કે જો કોમ્યુનિટી હોલ અને ધોરણ-૮ સુધીની શાળા મંજૂર થાય, તો ભેડાપીપળિયા ગામ વિકાસના નવા માર્ગે આગળ વધી શકે.

હવે જોવાનું રહ્યું કે સરકાર અને પ્રશાસન ગ્રામજનોની આ વાજબી માંગ પર કેટલા વહેલા ધ્યાન આપે છે અને ભેડાપીપળિયા ગામને ધાર્મિક સાથે-साथ શૈક્ષણિક અને સામાજિક રીતે પણ સમૃદ્ધ બનાવે છે કે નહીં.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?