ધોરાજીમાં દિકરાનાં લગ્ન પ્રસંગે દાંડીયારાસ લેતા વરરાજાના પિતા કાંતિલાલ જીવાભાઈ બાલધા પડી જતા ધોરાજી ની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ફરજપરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. એક તરફ દિકરાનાં લગ્નની સવારે લગ્ન વિધી હસ્તમેળાપ અને બીજી તરફ પિતાનું અવસાન થતાં દુઃખદ અને સુખદ બંને પ્રસંગો સાચવવાની જવાબદારી કુટુંબીઓના શિરે આવીપડતા નિર્ણય લેવાયો કે લગ્નવિધિ પૂર્ણ થયા બાદ વરરાજા ના પિતા કાંતિલાલનાં અવસાનની જાણ કરીશુ અને નિર્ણય બાદ માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાઈ અને ડેડ બોડીને માનવસેવાનાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી બાદમાં વરરાજા જયભાઈના લગ્ન સમયે જણાવાયુ કે તેમના પિતાને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
લગ્નની વિધી પ્રસંગ પૂર્ણ થતા સત્ય હકીકત સૌ સમક્ષ જાહેર કરવામાં આવી અને પરીવારજનો પર આભ ફાટયાની સ્થિતિ સર્જાઈ પરીવારના વડિલોએ હૈયે પથ્થર રાખી સાંત્વના સાથે નિર્ણય લેવાનો સમય હતો અને જે બન્યુ એ ‘હરી ઈચ્છા બળવાન’ સમજી વરરાજા જય ના પિતા સ્વર્ગસ્થ કાંતિલાલ બાલધાનાં ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લેવાયો અને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા ભોલાભાઈ સોલંકી, સાગર સોલંકી ને ચક્ષુદાન કરવા બાબતે જાણ કરવામાં આવતા સ્વજનો જયન્તીભાઈ બાલધા, પ્રફુલભાઈ બાલધા, મનસુખભાઈ બાલધા, ઉપલેટાનાં મુકેશભાઈ ડોબરીયા, જયેશભાઈ બાલધા, યોગેશભાઇ માવાણી ની હાજરીમાં સ્વ કાંતિલાલ બાલધાનાં ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું ધોરાજીનાં માનવસેવા યુવક મંડળને ૧૯ મું ચક્ષુદાન મળ્યું હતું અને આ ચક્ષુદાન રાજકોટની સરકારી જી. ટી. શેઠ આંખની હોસ્પિટલ ખાતે માનવસેવા યુવક મંડળ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા.
વરરાજા ના પિતાના મૃત્યુનો દુઃખદ અને દિકરાનાં લગ્નનો સુખદ માંગલિક પ્રસંગ બન્ને નો સમય પારખી બાલધા પરીવારના વડિલોએ બેલેન્સ જાળવી હૈયે પથ્થર રાખીને પણ નિર્ણય લેવો પડ્યો અને સમાજને પણ રાહ ચિંધ્યો કે સારા માઠા પ્રસંગો માનવ જાતને આવે પરંતુ માનવજ માનવને કામ આવે એ સુત્રને સાર્થક કરવા સ્વર્ગસ્થ કાંતિલાલ બાલધાનાં ચક્ષુદાન કરી સમાજને ચક્ષુદાન કરવા રાહ ચિંધ્યો છે. ધોરાજી શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા ખેડૂત સ્વર્ગસ્થ કાંતિલાલ બાલધા ફક્ત પચાસ વર્ષ ની ઉંમરે સ્વર્ગે સિધાવતા પરીવારજનોને મોભી ગુમાવ્યા નું દુ:ખ છે, તેમના દિકરા વરરાજા જયભાઈ રાજકોટ ખાતે નોકરી કરતા હોવાનું પરીવારજનો એ જણાવ્યું હતું