જામનગર તા.૧૭ ડિસેમ્બર, ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર દ્વારા બુધવારે ડૉ.બી.આર.અંબેડકાર હોલમાં “દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ” વિષય પર જિલ્લા કક્ષાની વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો પ્રથમ તબક્કો બ્લોક સ્તરે હતો જેનું આયોજન દરેક રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક દ્વારા દરેક બ્લોકમાં કરવામાં આવેલ હતું. જેમાં બ્લોકથી પસંદ થયેલ પ્રથમ ત્રણ વિજેતાઓએ જિલ્લા સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જેમાં જિલ્લા સ્પર્ધામાં કલ્યાણપુર તાલુકાના ભાટીયા પરેશ પ્રથમ, કાલાવાડના કાછડીયા ક્રિયા દ્વિતીય અને ગોંડલીયા યશ્વીએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. વિજેતાઓને અનુક્રમે ૫ હજાર, ૨ હજાર અને ૧ હજાર રૂપિયાનુ રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર ભાટીયા પરેશની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન નોડલ ઓફિસર આઈ.ટી.આઈ. શ્રી એમ.એમ.બોચીયા અને નોડલ ઓફિસર એન.એસ.એસ. ડો.સોનલ એચ.જોષીએ વિજેતાઓને ઈનામ આપી અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં જામજોધપુરના ભીંગડ અરવિંદ અને ડાંગર શીતલ, ભાણવડના કરીના કિરણ, કલ્યાણપુરના માંડમ પ્રકાશ, લાલપુરના ખરા સાગર, જામનગર પિંગલ માયા અને પરમાર વર્ષાએ સ્પર્ધાના વિષય પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સુશ્રી વંશિકા ભોલાણી, સુશ્રી કૃપા લાલ અને ડો. સોનલ એચ જોષીએ અનુક્રમે નિર્ણાયકોની ભૂમિકા ભજવી હતી. પ્રગતિ યુથ ક્લબ અને રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક હર્ષ પાંડેના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગીએ મહેમાન સહિત તમામનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.