જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા ની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને ઘરઆંગણે સેવાઓનો લાભ આપવામાં આવ્યો
રાજ્યના નાગરિકોને આવશ્યક સેવાઓ તથા યોજનાકીય લાભો ઘરઆંગણે મળી રહે તે ઉદ્દેશ્યથી સાતમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમની રાજ્યભરમાં શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત જીલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં ચાણસ્મા તાલુકાના છમીશા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
ચાણસ્મા તાલુકાના છમીશા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાના વરદ હસ્તે લાભાર્થીઓને ઈ-શ્રમ કાર્ડ, આવકના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતના વિવિધ લાભ ઘરઆંગણે આપવામાં આવ્યા હતા. તેમજ બાળકોના આધારકાર્ડ અને રસીકરણ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપીને ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે અપીલ કરવામાં આવી હતી. સેવા સેતુ કાર્યક્રમમાં છમીશા, બ્રાહ્મણવાડા, મંડલોપ સહિત ૬ ગામના લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી યોગેશ ભાવસાર, મામલતદારશ્રી ચંદ્રેશભાઈ, સરપંચશ્રી અમૃતભાઈ સહિતના આગેવાનશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહીને સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.