પ્રિ-મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની કામગીરીની સમીક્ષા બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ
રાજકોટ, તા. ૧૫ માર્ચ – અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે અપાતી પ્રિ-મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની કામગીરીની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં વર્ષ ૨૦૨૧-૨૨ની પ્રિ મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજનાની કામગીરીથી કલેક્ટરશ્રી માહિતગાર થયા હતા તેમજ બાકી રહેલી પ્રિ મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની કામગીરી ઝડપથી પુર્ણ કરવા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તથા ઉપસ્થિતોને તાકીદ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી મારફતે પોસ્ટ મેટ્રીક સ્કોલરશિપ મેળવવા માટે રાજકોટ જિલ્લાના કુલ ૧૧,૮૫૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી છે જે પૈકી ૮,૪૩૦ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ તરીકે રૂ. ૨૯.૬૩ કરોડની ચુકવણી કરવામાં આવી છે. પ્રી-મેટ્રીક સ્કોલરશિપ મેળવનાર કુલ ૧૨,૫૭૨ જેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ તરીકે રૂ. ર.૩૩ કરોડની ચુકવણી કરવામાં આવી છે. સરકારશ્રીની નવી ગાઇડલાઇન મુજબ, સ્કોલરશિપના ૪૦ ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા અને ૬૦ ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા ચુકવવામાં આવશે.
આ બેઠકમાં અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામકશ્રી સી.એન.મિશ્રા, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, શૈક્ષણીક સંસ્થાઓના પ્રતિનીધીઓ, યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.