બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંકના ચેરમેન અણદાભાઈ પટેલનું ભાજપ પક્ષે રાજીનામું માંગતા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. જો કે અણદાભાઈએ પક્ષના મોવડી મંડળ સાથે ચર્ચા બાદ બનાસ બેન્કમાંથી રાજીનામું નહિ આપવાની વાત કહેતા અણદાભાઈના રાજીનામા ઉપર હાલ પૂરતો પૂર્ણ વિરામ મુકાયો છે.
બનાસ બેન્કના ચેરમેન બન્યા બાદ અણદાભાઈને ભાજપ પક્ષ દ્વારા રાજીનામું આપવાનું કહેતાં હડકમ્પ મચી ગયો હતો. જેને લઈને અણદાભાઈ એ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે મેં થરા માર્કેટયાર્ડના ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું છે. જો કે હું બનાસ બેન્કના ચેરમેન પદે યથાવત રહીશ. ભાજપ પક્ષ તરફથી રાજીનામુ આપવાનું કહેવાતા અમે ગાંધીનગર પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને મળવા ગયા હતા. જો કે સી.આર પાટીલ જોડે મુલાકાત ન થતાં ભાજપના અન્ય પ્રદેશ હોદ્દેદારોએ તેમને મારા રાજીનામાને લઈને વાત કરી હતી. જેથી પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે તેમને બેંકમાં કાર્ય ચાલુ રાખવા કહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.