
જામનગરના છોટી કાશી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 61 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. આજે અખંડ રામનામ જાપના પ્રણેતા પ્રેમભિક્ષુજી મહારાજની 55મી પૂણ્યતિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ચૈત્ર વદ-5ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ ડેલુએ ધ્વજાની પૂજા કરી મંદિર પરિસરમાં પરિભ્રમણ કર્યું હતું. સવારે મંદિર પાસેના વિશાળ પંડાલમાં ગુરુપૂજન કાર્યક્રમ યોજાયો અને મંદિર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
આ ધર્મોત્સવમાં જામનગર, દ્વારકા, ખંભાળિયા, પોરબંદર, રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત બિહાર અને મુંબઈથી હજારો ભાવિકો ઉમટ્યા. ભક્તોની સુવિધા માટે શહેરની વિવિધ શાંતિ વાડીઓમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સાંજે નીકળેલી ભવ્ય સંકીર્તન યાત્રા હવાઈચોકથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બાલા હનુમાન મંદિરે સંપન્ન થઈ. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે 450થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી. મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ વિનુભાઈ તશા, રવિન્દ્રભાઈ જોષી અને અન્ય ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત 3 માર્ચથી શરૂ થયેલા વિશેષ હરિનામ સંકીર્તનનું 18 એપ્રિલના રોજ સમાપન થશે.