જામનગર તા.૦૮ ઓક્ટોબર, અધિક જીલ્લા મેજીસ્ટેટ શ્રી મિતેશ પી. પંડ્યા, જામનગરને મળેલ સતાની રૂએ હુકમ કરેલ છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલ ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્ષ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલ નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા સરકારશ્રીએ નક્કી કરેલ ટોલટેક્ષ ચુકવી તેની પહોંચ મેળવી અથવા નિયમાનુસાર મુક્તિ મળવાપાત્ર હોય તો તે અંગેનુ કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી કે એજન્ટને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવુ. વિશેષમાં ઉપરોક્ત ટોલનાકાઓ નજીક આવેલ જમીનના માલીકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાને બદલે પોતાની ખાનગી માલીકીની જમીનમાંથી બાયપાસ થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર તા.૨૧-૧૧-૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર નિયમાનુસાર સજાને પાત્ર થશે.
સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાઓથી જે વાહનોને ટોલટેક્ષ ચુકવવામાંથી મુક્તિ આપવામાં આવેલ હોય તેવા વાહનચાલકોને આ જાહેરનામાની જોગવાઈ લાગુ પડશે નહિ તેમ અધિક જીલ્લા મેજીસ્ટેટશ્રી મિતેશ પી. પંડ્યાએ જાહેરનામા દ્વારા જણાવ્યું છે.