માધવપુરમાં ભગવાન માધવરાય જીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ
અનેક કૃષ્ણ ભક્તો માટે માધવરાય જીનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર
પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે. મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો મહેમાન તરીકે પધારવાના છે ત્યારે નગરજનોમાં અનેરોઓ ઉત્સાહ જોવા મળે છે.
આ તકે માઘવરાયજીના મંદિર ખાતે જેમનો પરિવાર પાંચ પાંચ પેઢીથી સેવા કરી રહ્યો છે તેવા મંદિરના ટ્રસ્ટી અને મુખીયાજી શ્રી રૂચિરભાઈ દિલીપભાઈ સેવક કહે છે કે, આ પ્રાચીન તીર્થ સ્થળે ભગવાનશ્રી કૃષ્ણ-રુક્મિણીના વિવાહ થયાનું આજથી ૫૦૦૦ વર્ષ પહેલા થયા હતા. આ પ્રણાલીકા વર્ષોથી ચાલી આવે છે. આ ધાર્મિક સ્થળ હિંદુઓ માટે આસ્થા અને શ્રધ્ધાનું સ્થાનક છે.
ભગવાન શ્રીકૃષ્ણ-રુક્મિણીના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિમાં પરંપરાથી અહીં ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી એમ પાંચ દિવસ માધવપુરનો ધાર્મિક મેળો યોજવામાં આવે છે. જેમાં માઘવરાયજીના મંદિરથી બ્રહ્ન કુંડ સુધી એમ ત્રણ દિવસ સુઘી તેની વરણાગી નિકળે છે. તેમાં ભગવાનના પદો-કિર્તન ગાતા હોય છે જ્યારે યુવાઓ તેમાં રાસ ગરબા રમે છે.
સમગ્ર માધવપુર ઘેડ વિસ્તારમા આનંદ-ઉત્સવનો માહોલ જોવા મળે છે. નાનામોટા સૌ કોઈ ભગવાનશ્રી કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવનો આનંદ માણતા હોય છે.
અત્યાર સુધી ભગવાનશ્રી કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવનો મેળો પરંપરાગત રીતે ઉજવાતો હતો. પરંતુ દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસિધ્ધી પામી રહ્યો છે. આ પ્રસિધ્ધીના કારણે મહત્તમ પ્રવાસીઓ આ જગ્યાની મુલાકાત લેશે જેનાથી પ્રવાસન ઉદ્યોગનો વિકાસ પામશે અને માઘવપુરની દશેય દિશાએ ઉન્નતી થશે. રાષ્ટ્રપતિ અને બીજા મહાનુભાવો આવી રહ્યા છે જે અમારા માટે ગર્વની વાત છે.