મન મક્કમ હોય ત્યારે સામે પહાડ પણ કેમ નાં હોય માણસ રસ્તો પાર કરીને જ રહે છે અને મંઝિલ મેળવીને જ ઝંપે છે. આવું જ એક ઉદાહરણ સુરત ના ડીંડોલી વિસ્તાર માં રહેતા 25 વર્ષીય ભટુ પાટીલનું છે. જેને દેશ સેવા કરવા માટે રોડ પર પ્રેક્ટિસ કરી અને આજે તે સેના માં સિલેક્ટ થતાં તેમનું સપનું સાકાર થયું છે.સુરતના ડીંડોલી વિસ્તાર માં યુવાનોનું એક ગ્રુપ એવું છે જે છેલ્લા સાત વર્ષથી પોતાના ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાનું સપનું વધુ દ્રઢ બનાવી રહ્યું છે. એક જોશ સાથે આ યુવાનો આર્મીમાં જવા તનતોડ મહેનત કરી રહ્યા છે. અને આ ગ્રુપનું નામ પણ રાખવામાં આવ્યું છે સડક સે સરહદ તક.આ જ ગ્રુપમાં તાજેતરમાં જ 25 વર્ષીય નવયુવાન ભટુ પાટીલ ભારતીય સેનાએ આસામમાં રાઇફલમાં ટ્રેનિંગ સમય પૂર્ણ કરીને જયારે સુરત પરત ફર્યો ત્યારે તેને તેટલા જ જુસ્સા સાથે વધાવી લેવામાં આવ્યો હતો. ભારતીય સેનામાં પસંદગી પામવું એ ખુબ ગર્વની વાત છે એ સ્વાભાવિક છે. પરંતુ ભટુ પાટીલની ખાસ વાત એ પણ છે કે મેડિકલ એક્ઝામમાં તે 23 વખત ફેઈલ થયો હતો. છતાં તેણે આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના તેના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને 24માં પ્રયત્ને સેનામાં સેવા આપવાં ભટુભાઈ ને સફળતા મળી છે.
આ અંગે ભટુભાઈ પાટીલે કહ્યું કે “સડક સે સરહદ ગ્રુપમાં હું છેલ્લા 7 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. બાળપણથી જ મારુ સપનું હતું કે દેશ માટે સેનામાં જોડાવું અને દેશની સેવા કરવી. હું મહારાષ્ટ્રના કનેર ગામમાંથી આવું છું.મારા ગામમાં પણ અસંખ્ય યુવાનો સેનામાં જોડાઈ ચુક્યા છે. ઘરનો એક માત્ર પુત્ર હોવાના કારણે મારી માતાને થોડો ડર પણ હતો કે હું તેમની પાસે જ રહું . પણ પિતાના સહકાર અને પ્રોત્સાહનથી મારુ આ સપનું પૂર્ણ થયુ છે. આજે આ પ્રયત્નમાં હું સફળ થયો છું.
વધુ માં ભટુભાઈએ કહ્યું કે”12 પાસ કર્યા બાદ આઇટીઆઈ કર્યા બાદ હું મોટું કામ કરતો હતો.પરંતુ મારુ લક્ષ્યાંક માત્ર એક જ હતું. અને એ હતું સેનામાં ભરતી થવું. મારા પિતા પણ બે વાર સેનામાં જોડાવા પ્રયત્ન કરી ચુક્યા છે. પણ તેઓ સફળ થયાં ન હતાં. જેથી પિતાનું સપનું પણ પૂર્ણ કરવાની મારી ખુબ ઈચ્છા હતી. એટલા માટે જ અસંખ્ય વખત નિષ્ફ્ળતા મળ્યા બાદ પણ મેં હિંમત હાર્યા વગર પોતાના ધ્યેય તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું. અને હું એમાં સફળ થયો છું.