ખડીયાથી નવાણીયા વચ્ચેના કરોડોના ખર્ચે બનતાં રોડના કામને અચાનક જ બંધ કરી વનવિભાગ શું નવું ડિંડક કરવા માંગે છે
વનવિભાગ ને રાતો રાત નિયમો યાદ આવ્યા કે પછી મલાઈ માટે મેરવણ નાખવા આ લાલીયાવાડી કરવામાં આવી છે?
કોઈ ને કોઈ કારણે વિરોધ ના વંટોળો ઉભા કરતું વનવિભાગ ને ખરે ટાણે જ નિયમો યાદ આવે છે કે શું? કે પછી સિંહ ની જેમ જંગલ છોડી રોડ પર નિયમો લગાવવા નો અબળખો જાગ્યો છે.લોકોની સગવડ માટે બનતા અને હાલાકી થી હાશકારો મેળવવા કરોડા ખર્ચે બનતા રોડ પર જ વન વિભાગ ની દિવ્ય દ્રષ્ટિ જતા જૂનાગઢ બગસરા વચ્ચે ખડીયા થી બિલખા,નવાણિયા સુધી ૨૦ કિલોમીટરના રસ્તાનું ૧૨ કરોડના ખર્ચે કામ શરૂ થયું હતું .ત્યારે વનવિભાગે આ રસ્તાનું કામ બંધ કરાવી કોન્ટ્રાક્ટરને વન્યપ્રાણી અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી મશીનરી જપ્ત કરવાની ધમકી આપતા કામ બંધ કરવું પડ્યું હતું .અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે .ખડીયા થી બીલખા નવાણિયા અને માણેકવાડા સુધી હાલમાં ૧૦ મીટરની પહોળાઈનો રસ્તો છે અને સરકારની ગાઈડલાઈન મુજબ રિસર્ફેસીંગની કામગીરી શરૂ કરવામાં આવી તો જૂનાગઢ વનવિભાગ દ્વારા આ કામને બંધ કરાવવામાં આવ્યું અને વન વિભાગનાં દાવા મુજબ ૯.૭૫ નો રસ્તો સ્ટેટ આર.એન્ડ.બી.માં છે.
જ્યારે સ્ટેટ આર.એન્ડ.બી. વિભાગના દાવા મુજબ ખડીયા થી માણેકવાડા સુધી કુલ ૨૮ મીટર જમીન તેના હસ્તક છે જેમાંથી હાલ દસ મીટર રસ્તો છે અને રસ્તાની બંને બાજુ દોઢ મીટર માટી કામ કરવામાં આવે છે.વન વિભાગના નિયમો મુજબ ૯.૭૫ મીટર માં જ રોડ બનાવી શકાય .પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હજુ તો માત્ર દોઢ થી બે કિલોમીટર રસ્તાનું કામ થયું હતું અને ત્યાંજ વિકાસ ના વેરી એવા વન વિભાગે પોતાની મેલી નીતિ છતી કરી હતી.બીજી તરફ માર્ગ મકાન વિભાગમાં આ પ્રશ્ન પહોંચ્યો હતો ત્યારે વનવિભાગ કેટલા સમય માં ફરી રોડ કરવાની મંજૂરી આપશે? અને લોકોને પાડતી હાલાકી ક્યારે સમજશે એ પણ સમય પર નક્કી થશે.વધુમાં વિકાસ ના કામ હોય કે લોકોનાં પરંતુ પોતાની કામ ટલ્લે ચડાવવાની ટેવ ને સાબિત કરવા જૂનાગઢ ભેંસાણ રસ્તાના ચાલતા ડામર રોડનું કામ પણ વનવિભાગે અટકાવી દીધું છે.હાલ માં આ રસ્તો વધુ બિસ્માર હોય એને કારણે લોકો પણ જૂનાગઢ વન વિભાગના નિયમો ને સમજવા આર. ટી.આઇ ના ક્લાસ કરે તો નવાઈ નહી?