- 6 માર્ચે 64 યુગલના સમૂહલગ્નનું આયોજન કરાયું હતું
- પરિવારોની પૈસા પરત કરો અથવા લગ્ન કરાવી દેવાની માગ
જેતપુરના વીરપુર (જલારામ)માં આવિષ્કાર મહિલા વિકાસ મંડળ તરફથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આજે સમૂહલગ્નની તૈયારીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બેઠકમાં મુખ્ય આયોજક અનિલ સરવૈયા ગેરહાજર હોવાથી વર-કન્યા પક્ષના પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. અનિલ સરવૈયા વિરૂદ્ધ વીરપુર પોલીસ સ્ટેશનમાં છેડતીનો ગુનો નોંધાયો હોય તે હાલ ફરાર છે. આથી મોટી સંખ્યામાં વર-કન્યા પક્ષના પરિવારજનો વીરપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને અહીં પણ હોબાળો મચાવ્યો હતો.
6 માર્ચે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 64 જેટલા યુગલનાં લગ્ન થવાના છે. એક યુગલ દીઠ પરિવારે 17 હજાર રૂપિયા ભરી દીધા છે. પરંતુ મુખ્ય આયોજક જ ફરાર હોવાથી છેતરપિંડીના આક્ષેપ સાથે વર-કન્યા પક્ષના પરિવારો પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમની ફરિયાદ સાંભળવાની ના પાડતા અહીં હોબાળો મચાવ્યો હતો. લગ્નના આડે ગણતરીના દિવસો જ બાકી હોવાથી પરિવારજનોએ તમામ તૈયારી પણ કરી લીધી હોવાનું જણાવ્યું હતું. હાલ સમૂહલગ્નમાં જોડાનાર વર-કન્યા પક્ષના પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. પરિવારોએ પોલીસ સમક્ષ માંગ કરી હતી કે અમે ભરેલા પૈસા પરત કરાવો અથવા આયોજક દ્વારા લગ્ન કરાવી દેવામાં આવે.
પરિવારજન અશ્વિનપરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અમે અહીં સમૂહલગ્નની તારીખની બેઠક હતી એટલા માટે ભેગા થયા હતા. પરંતુ અહીં કોઈ કર્તાહર્તા જેવું લાગ્યું નહીં. અમારે 6 તારીખે ઉપલેટાના કોલકી ગામથી જાન લઇને આવવાનું હતું પણ પહેલા ખબર ન હોત તો અમારી આબરૂના કાંકરા થાય એવું થાત. અમારા પૈસા પાછા અપાવો, હું છકડો રિક્ષા ચલાવું છું અને પરિવારજનોનું ગુજરાન ચલાવું છું, આથી જ મેં સમૂહલગ્નમાં નામ લખાવ્યું છે.
પરિવારજન રેખાબેને જણાવ્યું હતું કે, હું રાજકોટની છું અને આજે બેઠક હતી તો હું સવારે વીરપુર આવી હતી. પરંતુ અહીં આવતા જ બબાલ ચાલતી હતી. કાર્યકર્તા હતા તે ભાગતા હતા ત્યારે અન્ય લોકોએ તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. એક આયોજક વિપુલભાઈએ અમને કહ્યું કે, ગમે તે પરિસ્થિતિમાં અમે 6 તારીખે લગ્ન કરાવી આપીશું તો અમારી એ જ માંગ છે કે, ગમે તેવી પરિસ્થિતિમાં અમારા દીકરા-દીકરીના લગ્ન કરાવી દ્યો. અમે કંકોત્રી છપાવી દીધી છે, રસોડા, પાર્લરના ઓર્ડર આપી દીધા છે.