Latest News
ગુજરાતમાં ગરીબીનું ગંભીર ચિત્ર સામે આવ્યું: ૩.૬૫ કરોડ નાગરિકો વ્યાજબી ભાવની દુકાનો પર નિર્ભર, પાંચ વર્ષમાં મફત-સસ્તું અનાજ લેનારાઓમાં ૨૪ લાખનો વધારો. મહેસાણા જિલ્લામાં મનરેગા કૌભાંડનો વધુ એક વિસ્ફોટ – બહુચરાજીમાં ભાજપના જ ડેલીગેટ પર ગંભીર આક્ષેપો, તપાસની માંગ ઉઠી. શહેરામાં ટેકાના ભાવે ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતોમાં અસંતોષ – મોટી માર્કેટિંગ યાર્ડ હોવા છતાં પુરવઠા ગોડાઉનમાં ખરીદી, જગ્યા અને ભાવ બંને બન્યા પ્રશ્ન. જેતપુર સાયબર ગઠિયાઓનું ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહ્યું છે? ‘હર કામ દેશના નામ’ના સંદેશ સાથે ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર પર નવમું ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં PVC વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાન યોજાશે. બેટ દ્વારકાની 62 નંબર બેઠક ખાતે શ્રી ગુંસાઈજી 511મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, 56 ભોગ અન્નકુટ દર્શનથી વૈષ્ણવ ભાવવિભોર

શહેરામાં ટેકાના ભાવે ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતોમાં અસંતોષ – મોટી માર્કેટિંગ યાર્ડ હોવા છતાં પુરવઠા ગોડાઉનમાં ખરીદી, જગ્યા અને ભાવ બંને બન્યા પ્રશ્ન.

શહેરા:
શહેરા તાલુકામાં ટેકાના ભાવે ડાંગર ખરીદીની પ્રક્રિયા શરૂ થતા એક તરફ ખેડૂતોને બજાર ભાવ કરતાં વધુ ભાવ મળવાનો સંતોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ખરીદીનું સ્થળ, જગ્યા, સંગ્રહ વ્યવસ્થા અને ટેકાના ભાવની ઊંચાઈને લઈને ખેડૂતોમાં અંદરખાને અસંતોષ અને પ્રશ્નો ઊભા થયા છે. શહેરા તાલુકા મથક ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાં હાલ ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે, જ્યારે શહેરા માર્કેટિંગ યાર્ડ પાસે વિશાળ જગ્યા અને વધુ સુવિધાઓ હોવા છતાં ત્યાં ખરીદી શરૂ ન કરાતા ખેડૂતોમાં ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે.

૧૦૦૨ ખેડૂતોનું રજીસ્ટ્રેશન, અત્યાર સુધી ૧૬૦એ વેચાણ કર્યું

શહેરા પુરવઠા ગોડાઉનમાં ટેકાના ભાવે ડાંગર વેચાણ માટે તાલુકાના કુલ ૧૦૦૨ જેટલા ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આમાંથી અત્યાર સુધીમાં અંદાજે ૧૬૦ જેટલા ખેડૂતોએ પોતાનું ડાંગર ટેકાના ભાવે વેચી દીધું છે, જ્યારે હજુ પણ ૮૪૦ની આસપાસના ખેડૂતો આવનારા દિવસોમાં ડાંગર વેચવા માટે આવી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં હાલ જે પુરવઠા ગોડાઉનમાં ખરીદી થઈ રહી છે, ત્યાં આટલા મોટા પ્રમાણમાં આવનાર ડાંગરનો જથ્થો ક્યાં સંગ્રહવામાં આવશે તે મોટો પ્રશ્ન બની ગયો છે.

પ્રતિમણ રૂ. ૪૭૩.૮૦નો ટેકો ભાવ

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ મુજબ શહેરા પુરવઠા ગોડાઉનમાં ડાંગરની ખરીદી પ્રતિમણ રૂ. ૪૭૩ રૂપિયા ૮૦ પૈસાના ભાવે કરવામાં આવી રહી છે. બજાર ભાવ કરતાં આ ભાવ થોડો વધુ હોવાથી કેટલાક ખેડૂતો આ નિર્ણયને આવકાર આપી રહ્યા છે. તેમ છતાં, મોટી મહેનત, વધતા ખેતી ખર્ચ અને કુદરતી આફતોને ધ્યાનમાં લેતા અનેક ખેડૂતોનું માનવું છે કે આ ભાવ પૂરતો નથી.

ખેડૂતો કહે છે કે જો ટેકાના ભાવ ૫૦૦ રૂપિયા કરતાં વધુ અથવા ૬૦૦થી ૭૦૦ રૂપિયા પ્રતિમણ રાખવામાં આવે તો ખેડૂતોને સાચો ન્યાય મળી શકે. ખાસ કરીને આ વર્ષે ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદના કારણે શહેરા તાલુકાના અનેક વિસ્તારોમાં ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું હતું, જેના કારણે ખેડૂતો પહેલેથી જ આર્થિક સંકટમાં છે.

કમોસમી વરસાદે તોડ્યો પાક, રવિ સિઝન પર આશા

શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્ટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાંખી હતી. ઘણા ખેતરોમાં ડાંગરના ઉભા પાકને નુકસાન થયું, ક્યાંક પાક બગડી ગયો તો ક્યાંક ગુણવત્તા ઘટી ગઈ. ચોમાસુ પાકમાં નુકસાન થવાથી ખેડૂતો હવે બચી ગયેલા ડાંગરને ટેકાના ભાવે વેચીને થોડી રાહત મેળવવાની આશા રાખી રહ્યા છે. આ માટે જ મોટી સંખ્યામાં ખેડૂતોએ સરકારની ટેકાની ખરીદી યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

રાત-દિવસ ટ્રેક્ટરોની લાઇન, શિયાળાની ઠંડીમાં મુશ્કેલી

પુરવઠા ગોડાઉન ખાતે દિવસ અને રાત બંને સમયે ખેડૂતો ટ્રેક્ટરમાં ડાંગર ભરીને પહોંચતા નજરે પડી રહ્યા છે. ઘણા ખેડૂતો તો પોતાનો નંબર આવે ત્યાં સુધી ગોડાઉન પાસે જ રાત્રી રોકાણ કરતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. શિયાળાની ઠંડીમાં આ રીતે ખુલ્લામાં રાહ જોવી ખેડૂતો માટે મુશ્કેલ સાબિત થઈ રહી છે. જો માર્કેટિંગ યાર્ડમાં ખરીદી શરૂ કરવામાં આવે તો ત્યાં જગ્યા, છાંયો અને અન્ય સુવિધાઓ મળવાથી ખેડૂતોને ઘણી રાહત મળી શકે તેમ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ગ્રેડિંગ અને સેમ્પલ ફેલ થવાથી પરત ફરતા ખેડૂતો

ટેકાના ભાવે ડાંગર ખરીદી પહેલાં પુરવઠા ગોડાઉનમાં લાવવામાં આવેલા ડાંગરનું ગ્રેડિંગ કરવામાં આવે છે. ડાંગરનો જથ્થો ગુણવત્તા મુજબ પાસ થાય તો જ તેની ખરીદી કરવામાં આવે છે. જો ડાંગરમાં દાગ, ફુગ અથવા ભેજ વધુ હોય તો તેનો સેમ્પલ ફેલ જાહેર કરવામાં આવે છે અને આવી સ્થિતિમાં ખેડૂતોને ડાંગર પરત લઈ જવો પડે છે.

આ કારણે કેટલાક ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. કમોસમી વરસાદના કારણે ડાંગરની ગુણવત્તા પર અસર પડી હોવાથી ઘણા ખેડૂતોના સેમ્પલ ફેલ આવી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે કુદરતી આફતને ધ્યાનમાં લઈ, દાગી કે થોડી ફુગવાળી ડાંગર પણ ટેકાના ભાવે લેવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળી શકે.

‘ભાવ મહેનત પ્રમાણે નથી’ – ખેડૂતોનો અવાજ

શહેરા તાલુકાના મૂળજીભાઈ સહિતના અનેક ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવે છે તે સકારાત્મક પગલું છે, પરંતુ ખેડૂતોની મહેનત અને ખર્ચ સામે આ ભાવ ઓછો છે. એક ખેડૂતે જણાવ્યું કે, “આ વખતે કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું છે. બીજ, ખાતર, દવા, મજૂરી અને પાણીનો ખર્ચ વધ્યો છે. જો સરકાર ૬૦૦થી ૭૦૦ રૂપિયા પ્રતિમણ ડાંગર ખરીદે તો ખેડૂતોને સાચી રાહત મળી શકે.”

માર્કેટિંગ યાર્ડમાં ખરીદી શરૂ કરવાની માંગ

શહેરા માર્કેટિંગ યાર્ડ પાસે વિશાળ જગ્યા અને સુવિધાઓ ઉપલબ્ધ છે. ખેડૂતોનું માનવું છે કે જો ટેકાના ભાવે ડાંગરની ખરીદી એ.પી.એમ.સી. માર્કેટિંગ યાર્ડમાં શરૂ કરવામાં આવે તો વધુ વ્યવસ્થિત રીતે ખરીદી થઈ શકે, ભીડ ઓછી રહેશે અને સંગ્રહની સમસ્યા પણ ઊભી નહીં થાય. આવનારા દિવસોમાં વધુ ખેડૂતો ડાંગર વેચવા આવશે ત્યારે પુરવઠા ગોડાઉનમાં જગ્યા ઓછી પડશે તેવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

પુરવઠા ગોડાઉનમાં પહેલેથી જ ભારે જથ્થો

શહેરા પુરવઠા ગોડાઉનમાંથી તાલુકાની ૯૫ જેટલી સસ્તા અનાજની દુકાનોને અનાજનો જથ્થો ફાળવવામાં આવે છે. આ ગોડાઉનમાં પહેલેથી જ જાહેર વિતરણ વ્યવસ્થાનું અનાજ સંગ્રહિત હોય છે. હવે તેમાં ટેકાના ભાવે ખરીદાયેલ ડાંગરનો મોટો જથ્થો ઉમેરાશે તો જગ્યા વ્યવસ્થાપન મોટો પડકાર બની શકે છે. ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે કે સંબંધિત તંત્ર આ બાબતે ક્યારે ગંભીરતાથી વિચારશે?

તંત્ર સામે છુપો આક્રોશ

સેમ્પલ ફેલ થવાથી, ઓછી જગ્યા, ઠંડીમાં રાહ જોવાની મુશ્કેલી અને ભાવની અસંતોષજનક સ્થિતિને કારણે ખેડૂતોમાં છુપો આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ખુલ્લેઆમ વિરોધ કરતા ન હોવા છતાં ચર્ચાઓમાં અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. જો આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં ખેડૂતો ગોડાઉનમાં પહોંચશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.

ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની માંગ

ખેડૂતોની માંગ છે કે

  • ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે

  • માર્કેટિંગ યાર્ડમાં ડાંગર ખરીદી શરૂ કરવામાં આવે

  • દાગી અથવા થોડી ફુગવાળી ડાંગર પણ કુદરતી આફતને ધ્યાનમાં લઈ સ્વીકારવામાં આવે

  • પુરવઠા ગોડાઉનની સંગ્રહ ક્ષમતા અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવે

શહેરા તાલુકામાં હાલ ટેકાના ભાવે ડાંગર ખરીદી ખેડૂતો માટે આશા અને ચિંતા બંને લઈને આવી છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર ખેડૂતોના પ્રશ્નોને કેટલી ગંભીરતાથી લઈને, તેમના હિતમાં કેટલા વ્યાવહારિક નિર્ણયો લે છે.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?