જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નવા ટ્રસ્ટીગણ તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું
પાટણના શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને પ્રથમ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન તથા દાતા સન્માન સમારોહ યોજાયો હતો. પાટણ ખાતે છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત આ સંસ્થા દ્વારા મૂક-બધિર વિદ્યાર્થીઓ માટે શાળા તથા છાત્રાલય ચલાવવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, આજનો આ સમારંભ કોઈ સામાન્ય કાર્યક્રમ નથી, અહીં એક પરિવાર એકઠો થયો છે. છેલ્લા ૪૦ વર્ષથી મૂક-બધિર બાળકોના સામાજીક અને આર્થિક વિકાસ માટે સંવેદનશીલ દાતાઓ અને કર્મઠ કર્મચારીઓ દ્વારા જે ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે તે અભિનંદનને પાત્ર છે. આ બાળકો પાસે ભલે શબ્દની સમજ નથી પરંતુ સાચા અને સારા વિચારો કોઈ ને કોઈ માધ્યમથી તેમના સુધી પહોંચી જ જાય છે. ઉંચા સ્વપ્ન જોઈ તેને સાકાર કરવાના પ્રયત્નોનું ફળ અવશ્ય મળે છે. માટે આ સંસ્થામાંથી શિક્ષણ અને જ્ઞાન પામેલા બાળકો વિવિધ ક્ષેત્રમાં કાર્યરત રહીને જરૂર સફળ થશે તેવો મને વિશ્વાસ છે.
પૂર્વ પંચાયત મંત્રીશ્રી રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું કે, આ સંસ્થા સતત સંવેદના અને સમર્પણના ભાવ સાથે કામ કરતી આવી છે. વતનનું ઋણ ચૂકવવા મુંબઈમાં વ્યવસાય માટે સ્થાયી થયેલા પાટણની ધરતીના જ બે પનોતાપુત્રો દ્વારા સમાજથી વિખુટા પડેલા વ્યક્તિઓની સેવા માટે આ સંસ્થા શરૂ કરી હતી. શાળાથી શરૂઆત, બાદમાં છાત્રાલયની સુવિધા અને હવે રોજગાર તાલીમ કેન્દ્ર સાથે સંસ્થા દિવ્યાંગોને સમર્પિત છે જે ધન્યવાદને પાત્ર છે.
સંસ્થાના માનદ મંત્રીશ્રી દેવેન્દ્રભાઈ સાલવીએ સંસ્થાની શરૂઆતથી આજદિન સુધીની સફર વર્ણવતા જણાવ્યું કે, વર્ષ ૧૯૮૨માં શહેરના રાજકાવાડા વિસ્તારમાં પાંચ વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવેલી મૂક-બધિર શાળાએ તેની ૪૦ વર્ષની યાત્રામાં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાશ ફેલાવ્યો છે. ટ્રસ્ટીઓ, વાલીઓ અને દાતાઓના સહયોગથી નાનકડા મકાનથી શરૂ થયેલી સંસ્થા આજે છાત્રાલય, મેદાન, શિક્ષણ માટે સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક કમ્પ્યુટર લૅબ સહિતની સુવિધાઓ સાથે કાર્યરત છે. પાઠ્યપુસ્તક કે પરિક્ષાલક્ષી શિક્ષણથી ઉપર અહીં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો કરવામાં આવે છે.
વધુમાં શ્રી દેવેન્દ્રભાઈ સાલવીએ સંસ્થાના વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અંગે વાત કરતાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭માં ખેલ મહાકુંભમાં ૦૯ ગોલ્ડ મેડલ સાથે સંસ્થાના વિદ્યાર્થીઓએ ૨૭ મેડલ જીતી સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું. રાજ્ય ઉપરાંત નેશનલ લેવલની સ્પર્ધાઓમાં વર્ષ ૨૦૧૮માં ૦૨ મેડલ અને ૦૧ સિલ્વર મેડલ જીતી પાટણનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કર્યું હતું જે અમારા માટે ગૌરવની વાત છે.
આ સમારોહમાં મૂક-બધિર બાળકો દ્વારા મૂક પ્રાર્થનાથી શરૂઆત અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટના નવા ટ્રસ્ટીશ્રીઓનું સ્વાગત તથા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ જિલ્લા કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવો દ્વારા સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ સમારોહમાં ઉપસ્થિત સર્વને સાધ્વીશ્રી આભાનંદ ગોસ્વામીએ આશિર્વચન આપ્યા હતા.
શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.કે.વ્યાસ અને વાય.આર.સાંડેસરા બહેરા-મૂંગા શાળા, ‘અખંડ આનંદ’ માતૃશ્રી સુશિલાબેન ચીમનલાલ શાહ બધિર છાત્રાલય તથા શ્રીમતી હર્ષાબેન ભરતભાઈ શાહ દિવ્યાંગ રોજગાર તાલિમ કેન્દ્ર આયોજીત આ સમારોહમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, સાધ્વીશ્રી આભાનંદ ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી કેતનભાઈ પ્રજાપતિ, સંસ્થાના ટ્રસ્ટી સર્વશ્રી અલ્કેશભાઈ વ્યાસ, અમિતભાઈ શાહ, અલ્પાબેન શાહ, હર્ષાબેન શાહ, ભરતભાઈ શાહ, કાર્યક્રમના દાતાશ્રી જોષી, શાળા આચાર્ય સુશ્રી કુસુમબેન ચંદારાણા, શિક્ષકશ્રી ઘેમરભાઈ દેસાઈ અન્ય સ્ટાફ ગણ તથા સંસ્થાના વર્તમાન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.