કતારગામ કાંસાનગર લેક ગાર્ડન જનભાગીદારીથી ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યો છે.ખાનગી એજન્સીએ બગીચાની અંદર પાર્કિંગ માટે ફી વસૂલતા લોકો વિફર્યા હતા. પાર્કિંગ ફીના નામે લૂંટ ચલાવવામાં આવતા લોકોએ કાંસાનગર બાગને તાળા મારી દીધા હતા. લોકોનો રોષ પારખી પાલિકાએ પાર્કિંગ ફીની વસૂલાત પર હાલ પૂરતી બ્રેક મારી દીધી છે.પાલિકાએ શહેરના વિવિધ બાગ બગીચાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ ખાનગી એજન્સીઓને સાંપ્યા છે. કતારગામ કાંસાનગર લેક ગાર્ડનનું સંચાલન કરનાર એજન્સી પાલિકાને દર વર્ષે રૂ. 11 લાખની ફી આપે છે. પાલિકાએ આવકના સ્તોત્ર ઊભા કરવા માટે પાર્કિંગ ફી વસૂલવાની છૂટ આપી છે. કાંસાનગર ઉદ્યાનની અંદર પાર્કિંગની જગ્યામાં છેલ્લા દસ દિવસથી ફી વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. કાંસાનગર ઉદ્યાનમાં આવતા મુલાકાતીઓ પાસેથી પાર્કિંગની ફી લેવામાં આવતા આજે સાંજે લોકોનો રોષ બહાર આવી ગયો હતો.
લોકોએ પાર્કિંગની ફી વસૂલવાની જાહેરાત કરતા બેનર અને પોસ્ટર ફાડી નાખ્યા હતા. લોકોએ ભેગા મળીને પાર્કિંગની વસૂલાત કરતી એજન્સીનો વિરોધ કર્યો હતો. કાંસાનગર ઉદ્યાનમાં સાંજના સમયે મુખ્યત્વે સિનિયર સિટીઝન અને મહિલાઓ આવે છે. સિનિયર સિટીઝન અને મહિલાઓ-બાળકો પાસેથી પાર્કિંગ ફી વસૂલવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક સિનિયર સિટીઝન દરરોજ બગીચાની મુલાકાતે આવે છે. રોજ આવતા લોકોએ પાર્કિંગ ફીનો વિરોધ કરી કાંસાનગર બાગને તાળા મારી દીધા હતા.લોકોને સમજાવી તાળું ખોલવામાં આવ્યુંલોકોને સમજાવી તાળું ખોલવામાં આવ્યું
દસ મિનિટ સુધી બગીચાને તાળા મારી દેવાતા પાલિકાના કર્મચારીઓ દોડતા થયા હતા. લોકોને સમજાવી તાળું ખોલવામાં આવ્યું હતું. કોઇ પણ સંજોગોમાં પાર્કિંગ ફી નહી ભરવાની લોકોએ જાહેરાત કરતા પાલિકાએ લોકોનો રોષ પારખી હાલ પૂરતી પાર્કિંગ ફીની વસૂલાત નહી કરવા ખાનગી એજન્સીને સૂચના આપી છે. કાંસાનગરની જેમ દરેક બગીચામાં પાર્કિંગ ફીની વસૂલાતનો ઉગ્ર વિરોધ થાય તેવી શક્યતા છે.