સુરતમાં ક્રાઇમની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, લૂંટફાટ, મારામારી જેવી ઘટનાઓ સામે આવી રહી છે. મહત્ત્વની વાત છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હોમ ટાઉન પણ સુરત છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સુરતમાં જ હત્યા જેવા કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની તેમના પાડોશી દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.આ ઘટનાની જાણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવારના સભ્યોને થતા તેઓ ગાંધીનગરથી સુરત જવા નીકળ્યા છે. તો પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ પણ શરૂ કરી છે.રિપોર્ટ અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં રતન પાર્ક એપાર્ટમેન્ટ આવેલું છે.
રતન પાર્ક એપાર્ટમેન્ટમાં મહેશ સંઘવી તેમના પરિવારના સભ્યોની સાથે રહેતા હતા. તેઓ ડાયમંડનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શનિવારના રોજ મહેશ સંઘવી તેમના દીકરાની સાથે કોઈ વસ્તુની ખરીદી કરવા માટે જતા હતા અને તે સમયે બિલ્ડિંગની લિફ્ટની અંદર મહેશ સંઘવીને કમલેશ નામના યુવક સાથે ઝઘડો થયો હતો.આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે, ઝઘડામાં રોષે ભરાયેલા કમલેશ મહેતા નામના યુવક દ્વારા મહેશ સંઘવીને એક મુક્કો મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં મહેશ સંઘવીને નાકના ભાગે ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહેશ સંઘવીનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મહેશ સંઘવીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે કમલેશ મહેતા સામે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ આ ઘટના બાદગૃહરાજ્યમંત્રી હર્ષદ સંઘવીનાં માતા-પિતા પણ ગાંધીનગરથી સુરત આવવા માટે રવાના થયાં છે